તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે મંગળવારે સવારે ૧૦:૩૦ કલાકે ક્લોરિન પ્લાન્ટમાં અચાનક ગેસ લીકેજની ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્લાન્ટના કુલિંગ વોટર સાઇટના ટોપ વાલ્વમાંથી ઝેરી ક્લોરિન ગેસ લીકેજ થતાં બે કર્મચારીઓ ગેસની ઝપેટમાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ પ્લાન્ટ ઓપરેટરે ઇન્ટરનલ ઇમરજન્સી ટીમને માહિતગાર કરી હતી. જે.કે. પેપર મિલની ટીમ પણ જરૂરી સંસાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર તથા આપત્તિ વ્યવસ્થાપનએ NDRF ની ટીમને ત્વરિત જાણકારી આપી હતી. બંને ટીમ ત્વરિત ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી.
જવાનોએ ગેસની ઝપેટમાં આવેલા બે પૈકી એક કર્મચારીને પ્રાથમિક સારવાર આપી સુરક્ષિત સ્થળે ખસેડ્યાં હતા, જ્યારે અન્ય એકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને કર્મચારીઓની સ્થિતિ સુરક્ષિત છે. NDRF ના જવાનોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કીટ પહેરી જોખમી પરિસ્થિતિમાં લીકેજ પોઇન્ટ સુધી પહોંચી લીકેજ પોઈન્ટને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ત્વરિત ગેસ લીકેજને બંધ કરીને મોટી જાનહાનિ થતા રોકી હતી.
અત્રે નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના વાસ્તવિક દુર્ઘટના નહીં, પરંતુ તાપી જિલ્લા વહીવટી તંત્ર અને NDRF દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી એક મોકડ્રીલ હતી. ભવિષ્યમાં આકસ્મિક આપદા દરમિયાન વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને અસરકારક બનાવવા અને ત્રુટિઓને દૂર કરવા માટે અંતે વિષય નિષ્ણાંતો દ્વારા ડિ-બ્રીફિંગ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વ્યારા પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડે NDRF, ડિઝાસ્ટર તંત્ર, CISF, જે.કે. પેપરમિલ, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને સંકલનને બિરદાવ્યું હતું.




