તાપી જિલ્લાના છેવાડાના ગામો સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના આશય સાથે રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે નિઝર તાલુકાના સાયલા ગામે અંદાજિત રૂપિયા ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર-પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ તકે મંત્રીએ નવા સબ સેન્ટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને ત્યાંની ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. આ કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓની નિયમિત ANC તપાસ, બિન-ચેપી રોગોની સારવાર અને માર્ગદર્શન, હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન, કુપોષણ નિવારણ માટે બાળકોની ખાસ સંભાળ તેમજ આરોગ્ય વિષયક સામુહિક જાગૃતતા જેવી સુવિધાઓ અને લાભ ગ્રામજનોને મળશે.
આ પ્રસંગે મંત્રીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી તેમની સાથે સમૂહ તસ્વીર ખેંચાવી હતી.નોંધનીય છે કે, મંત્રી ગામીતે નિઝર તાલુકામાં ગુરુવારે અંદાજિત રૂ. ૭.૪૭ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી સુરજભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્યો, મેડિકલ ઓફિસર ડૉ. પરિમલ જે. પવાર, સાયલા ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


