તાપી જિલ્લા પોલીસ અને વાલોડ પોલીસે સગીરાનું શોષણ કરનાર શખ્સનો જાહેરમાં વરઘોડો કાઢી જિલ્લામાં છેડતીખોર અને લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસડવાની પ્રયાસ કર્યો છે. ઘટનાની વાત કરીએ તો, વાલોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-64(2),78(2),351(3) તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાતનો અધિનિયમ 2012ની કલમ-4,8,11(4),12 મુજબનો ગુનો નોધાયો હતો.

આ ગુનાનો આરોપી અસ્વદ હૈદર શેખ ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો. ટ્યુશનમાં આવતી એક સગીરાને આરોપી અસ્વદ હૈદર શેખ જાતીય અડપલા કરતો તેમજ જાતીય સત્તામણી કરતો હતો. અને જો આરોપીએ કરેલી કરતૂત સગીરા કોઈને કહેશે અથવા તો જાણ કરશે તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપતો તેમજ આરોપી પોતે પણ મરી જવાની ધમકી આપતો હતો તેવી ફરિયાદ સગીર વયની કિશોરી દ્વારા આપવામાં આવી હતી.

ફરિયાદ મળતા પોલીસે ટેકનિક્લ સર્વેલન્સ તથા બાતમીદારોના મદદથી આરોપીને પકડી પાડ્યો હતો. બાદમાં આરોપીનું નિવેદન અને મેડીકલ ચકાસણી કરી આરોપી અસ્વદ હૈદર શેખને ગુનાવાળી જગ્યાએ લઈ રિ-કન્શટ્રક્શન તથા પંચનામું કરવામા આવ્યું હતું. બાદમાં આરોપીને મુદત અંદર નામદાર કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપીને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.

