ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટવા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. રેનોલ્ટ ડસ્ટર ગાડીમાં લઈ જવાતો દારૂ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹૬,૬૧,૦૫૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ અને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખની સૂચના મુજબ, પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે LCB ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ રંગની રેનોલ્ટ ડસ્ટર (નંબર: GJ-16-BK-2496) માં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ટવા ગામે વોચ ગોઠવી શંકાસ્પદ ગાડીને કોર્ડન કરી અટકાવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૮૦૫ બોટલો મળી આવી હતી.
આરોપી ઝડપાયેલો મુદ્દામાલ:-
વિદેશી દારૂની ૮૦૫ બોટલ: કિંમત ₹૨,૫૮,૪૦૫
રેનોલ્ટ ડસ્ટર કાર: કિંમત ₹૪,૦૦,૦૦૦
મોબાઈલ ફોન: કિંમત ₹૨,૦૦૦
રોકડ રકમ: ₹૬૫૦
કુલ મુદ્દામાલ: ₹૬,૬૧,૦૫૫
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
પોલીસે સ્થળ પરથી નરેશભાઈ બોધાભાઈ પરમાર (રહે. ભાવનગર) ની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપી અગાઉ પણ ભાવનગરના ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ, ફુગરાશીંગ વીરશીંગભાઈ તોમર (રહે. મધ્યપ્રદેશ) અને કીજલભાઈ પ્રવીણભાઈ મકવાણા (રહે. ભાવનગર) ને પકડવાના બાકી છે. પોલીસે પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



