ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર
ઉનાળાની શરૂઆતની સાથે જ ગરમીનો પ્રકોપ ધીમે ધીમે રાજ્યમાં વધી રહ્યો છે. લોકો ઠંડા પાણી માટે ફ્રિજ, વોટર કુલર જેવી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. ત્યારે ગરીબોના ફ્રિજ ગણાતા માટીના માટલાની પણ માંગ વધવા લાગી છે. બોડેલી નજીક હાલોલ રોડ પર માટલાનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને માટીના માટલામાં રાખેલું પાણી સ્વાભાવિક રીતે ઠંડુ રહેતું હોવાથી ગ્રામ્ય તેમજ શહેરના લોકોમાં તેની માંગ વધતી જોવા મળી રહી છે. બીજી તરફ ફ્રિજ ખરીદવાની સગવડ ન હોય તેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે માટલું આજેય ‘ગરીબોનું ફ્રિજ’ તરીકે ઓળખાય છે.

ખાંડીવાવ ગામ પાસે હાઇવે કિનારે બેઠેલા માટીના વાસણોના વેપારીઓ જણાવે છે કે ઉનાળાની શરૂઆત થતાં જ માટલાની માંગ વધી જાય છે અને લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે. હાલમાં અલગ-અલગ કદના માટલા વેચાઈ રહ્યા છે. માટલામાં રહેલું પાણી ઠંડુ રહેવા સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે. જેના કારણે દર વર્ષે ઉનાળાની ઋતુમાં માટલાની માંગ વધતી જોવા મળે છે અને સ્થાનિક વેપારીઓને પણ રોજગાર મળી રહ્યો છે

