રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય તે હેતુસર ભારત સરકારશ્રી દ્વારા “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના રાજ્યના આણંદ, નવસારી અને વલસાડ જિલ્લાઓ સિવાયના જિલ્લાઓમાં અમલમાં છે.
આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ ની આગામી ખરીફ સિઝન માટે મગફળી, સોયાબીન, દિવેલા તથા તલ પાકોના પ્રમાણિત બિયારણ વિતરણ ઘટક હેઠળ સહાયથી બિયારણ મેળવવા ઇચ્છુક ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
ખેડૂતો માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ તા.૦૮/૦૫/૨૦૨૬ થી તા.૧૭/૦૫/૨૦૨૬ સુધી કુલ ૧૦ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવશે.
તાપી જિલ્લામાં તેલીબિયાં પાકોની ખેતી કરતાં તમામ ખેડૂતોને સહાયથી પ્રમાણિત બિયારણ મેળવવા માટે નિયત સમયમર્યાદામાં આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

