સોનગઢ પોલીસ સ્ટેશનના મહિલા PSI પર નિર્દોષ મહિલાને મારવાનો આરોપ લાગતા હાહાકાર મચી ગયો છે. હાહાકાર એટલા માટે કહી શકાય કારણ કે, ભોગ બનનાર મહિલાને સોનગઢમાં સારવાર બાદ વધુ સારવાર માટે 108 મારફતે વ્યારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનગઢ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇએ સોનગઢ શહેરના બાપા સીતારામમાં રહેતી મહિલાને ઢોર માર મારતા પ્રથમ વખત મહિલાને સોનગઢની રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે 108 મારફતે વ્યારાની રેફરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.પોલીસ એમ તો હંમેશા સમાજના અને નિર્દોષ લોકોના રક્ષણ માટે હોય છે.પરંતુ ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં એક પોલીસકર્મીના કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને શર્મિંદા થવાનો વારો આવે છે. અને ત્યારે જ લોકો સવાલ કરતા હોય છે કે પોલીસ પ્રજાની રક્ષક છે કે ભક્ષક..? પછી અપરાધ ભલે નાનો હોય કે મોટો પણ પોલીસને મારવાનો અધિકાર કોણે આપ્યો..?
આ ઘટના સોનગઢના બાપાસીતારામ નગરમાં છ જુલાઈની રાત્રે બની હતી.સોનગઢ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરજ બજવતા મહિલા પીએસઆઇ ફરિયાદીના ઘરે જઈને તારો પતિ ક્યાં છે? બોલાવ એમ કહ્યું અને જ્યારે મહિલાએ કહ્યું કે મારા પતિ અડધો કલાક પછી આવશે તેવું કહેતા ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ મહિલા પીએસઆઇ ગુસ્સે ભરાઈને ભોગ બનનાર મહિલા પર તૂટી પડ્યા હતા.ગુસ્સાથી ઢોર માર મારી બેભાન જેવી હાલતમાં મૂકી દીધા હતા. ત્યારબાદ રાત્રિનો સમય હોવા છતાં ભોગ બનનાર મહિલાને જબરજસ્તી જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને એક દોઢ કલાક ત્યાં બેસાડી રાખવામાં આવી હતી. એને જ્યારે મહિલાએ પાણી માંગ્યું હતું ત્યારે પાણી પણ ફરિયાદી મહિલાને આપવામાં આવ્યું ન હતું. ત્યારે આવો અમાનવીય વ્યવહાર કેટલો યોગ્ય..? તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલાનો પુત્ર નવાપુરની કોઈ વાઇન શોપમાં કોમ્પ્યુટર પર એન્ટ્રી લખવાનું કામ કરે છે. અને પુત્રનું કોઈ કેસમાં નામ ખુલ્યું હતું ત્યારબાદ સોનગઢ પોલીસના મહિલા પીએસઆઇએ તપાસ કરવા માટે એની ધરપકડ કરવા વારંવાર એના ઘરે જતા હતા.પરંતુ છોકરો હાથે ન લાગતા મહિલા પીએસઆઈ ગુસ્સે ભરાયા હતા અને માતા પર ગુસ્સો ઉતારવામાં આવ્યો હોય એવી આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર ઘટનામાં ગંભીર સવાલો એ ઊભા થાય છે કે,, શું આ કેસ એટલો ગંભીર હતો કે મહિલાને રાતે પોલીસ સ્ટેશનને લઈ જવી પડી?
રાત્રે એકલી મહિલાને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવી કેટલી યોગ્ય..? મહિલા બેભાન જેવી હાલતમાં આવી ગઈ હોવાનું જણાવે છે અને પાણી પાણી કરતી હતી તો એને તાત્કાલિક મેડિકલ તપાસ માટે કેમ ન લઈ લેવામાં આવી..? ગુનો મહિલાના પુત્રએ કર્યો હોય હતો સજા એની માતાને આપવી એ કેટલું યોગ્ય..? આ ઘટના બાદ સોનગઢ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇને સસ્પેન્ડ કરવાની માંગ સાથે તંત્ર પાસે ન્યાયની માંગણી કરવામાં આવી છે. હવે આ મહિલાને ન્યાય મળશે કે નહીં તે આવનાર દિવસમાં જોવું રહ્યું?? અને આવા એકાદ પોલીસકર્મીના કારણે સમગ્ર તાપી જિલ્લા પોલીસ વિભાગની છાપ ખરાબ ન થાય તે માટે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક ક્યારે અને શું કાર્યવાહી કરે છે તે પણ આવનાર સમય બતાવશે.

