રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ‘સ્કૂલ ઓફ સોશિયલ વર્ક’માં, MSW સેમેસ્ટર-૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશભક્તિ ગીત અને આઝાદીની શૌર્યગાથા પર વક્તવ્યનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાર્થના, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતનું ગાન અને આઝાદીની શૌર્યગાથાનું વર્ણન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન અને સ્કૂલ ઓફ આર્ટ્સના આચાર્ય પ્રો. (ડૉ.) ધવલભાઈ પંડ્યા, સ્કૂલ ઓફ સોશિયલ વર્કના કાર્યકારી આચાર્ય ડૉ. અજય પટેલ, ફિઝિકલ એજ્યુકેશનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હેતલબેન, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. દિશાંક કાનાબાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન MSW સેમેસ્ટર-૧ ની વિદ્યાર્થીની કુ. અવનીકા ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું.

