ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ખોબા ગામનો છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાને લઈ ગ્રામજનોએ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીથી અળગા રહેવાની ચીમકી આપી છે. ખોબા ગામથી ખપાટીયા થઈ ધરમપુર તથા મહારાષ્ટ્રને જોડતો આશરે ૭ થી ૮ કિલો મીટરનો રસ્તો હજુ સુધી બન્યો ન હોવાથી ગ્રામજનોએ “રોડ નહીં તો વોટ નહીં” ના બેનર લાગવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ખોબાથી વાંગણ થઈ ખપાટીયા સુધીનો રસ્તો વર્ષોથી બિસ્માર:-

ખોબાથી વાંગણ થઈ ખપાટીયા સુધીનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બન્યો છે. આ ગામની વસ્તીની વાત કરીએ તો ગામની મતદાન યાદી પ્રમાણે ૪૩૨ મતદાન છે અને ગામમાં ધોરણ ૧ થી ૮ ધોરણો શાળા, ડેરી અને લોક મંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છાત્રાલય છે.પરંતુ સરકાર આ ગામમાં સારો રસ્તો બને એવું ઈચ્છતી નથી.
ચૂંટણી સમયે નેતાઓ વાયદા આપી છટકી જાય છે: સ્થાનિકો

ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે દરેક ચૂંટણી વખતે નેતાઓ માત્ર પોકળ વાયદાઓ આપીને જતા રહે છે, પરંતુ વાસ્તવિકતામાં રસ્તાનું કામ ક્યારેય શરૂ થતું નથી. જિલ્લા વહીવટી તંત્રથી લઈ તાલુકાના અને સ્થાનિક નેતાઓને પણ રજૂઆતો કરવા છતાં માત્રને માત્ર આશ્વાસનો મેળવીને કંટાળેલા રહીશોએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી રસ્તાનું નક્કર કામ નહીં થાય ત્યાં સુધી તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે નહીં. સાથે ગામમાં આવેલી પ્રાથમિક શાળા, અન્ય સરકારી લાભો પણ નહીં લે. નેતાઓની ઉદાસીનતા સામે ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવીને તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે તેઓ માત્ર વાતોથી ભરમાવાના નથી, પરંતુ તેમને પાયાની સુવિધા તરીકે પાકો રસ્તો જોઈએ છે.
અધિકારીઓ લેખિત અરજીની આંખ આડા કાન કરી ફેંકી દે છે:સ્થાનિકો

અધિકારીઓ એવું સમજતા હશે કે, છેવાડાના ગામડાઓમાં આદિવાસી લોકો છે. શિક્ષિત નથી એવું સમજીને લેખિતમાં કરવામાં આવેલી અરજીઓને આંખ આડા કાન કરી કચરા પેટીમાં નાખી દે છે કે શું એ ખબર નથી પડતી..? અને માત્ર વાયદાઓ કરી આશ્વાસન આપે છે કે, રોડ થોડા દિવસોમાં થઈ જશે થઈ જશે એવા શબ્દો સાંભળીને તો હવે અમે પણ થાકી ગયા છે, એટલે હવે અમે નક્કી કર્યું છે કે, અમારા ગામમાં કોઈ પણ વ્યક્તિ મતદાન નહીં કરે અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છે..

