રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી 11 માસૂમ બાળકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મોટો ખુલાસો કર્યો છે. મંત્રાલયે કહ્યું છે કે, કફ સિરપના સેમ્પલોની તપાસ કરવામાં આવ્યા બાદ, તેના એક પણ સેમ્પલમાં ડાયથિલીન ગ્લાયકોલ (DEG) કે એથિલીન ગ્લાયકોલ (EG) જેવા જોખમી કેમિકલ મળ્યા નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (NIV) અને કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO)ની સંયુક્ત ટીમે ઘટનાસ્થળે જઈને અનેક સેમ્પલ એકઠા કર્યા હતા. આ સેમ્પલોની તપાસ કરાયા બાદ તેમાં કોઈપણ કફ સિરપમાં ડીઈજી કે ઈજી ન હોવાની પુષ્ટિ થઈ છે. આ એવા કેમિકલ છે, જે કિડનીને ગંભીર નુકસાન પહોંચાડે છે. મધ્યપ્રદેશ રાજ્ય ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (SFDA)એ પણ ત્રણ સેમ્પલનું પરીક્ષણ કરીને આ જ પુષ્ટી કરી છે. જોકે પૂણેની એલઆઈવી દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ એક કેસમાં લેપ્ટોસ્પાયરોસિસ (Leptospirosis) પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
પાણી, મચ્છર અને શ્વસન ચેપ સંબંધીત સેમ્પલોની તપાસ શરૂ:-
આ ઉપરાંત પાણી, મચ્છર વાહકો અને શ્વસન ચેપ સંબંધીત સેમ્પલોની તપાસ ચાલી રહી છે. NCDC, NIV, ICMR, નાગપુરની AIIMS અને રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓની નિષ્ણાંતોની ટીમો નોંધાયેલા મામલાઓમાં તમામ સંભવિત કારણોની તપાસ કરી રહી છે.રાજસ્થાનમાં કફ સિરપ પીવાના કારણે બાળકોના મોત થવાના મામલે આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે કહ્યું છે કે, જે કફ સિરપ પીવાના કારણે બાળકોના મોત થયા છે, તે સિરપમાં પ્રોપાઈલીન ગ્લાયકોલ મળ્યું નથી. આ સાથે એમ પણ કહેવાયું છે કે, આ ઉત્પાદન ડેક્સટ્રોમેથૉર્ફન આધારિત ફોર્મ્યુલેશન છે, જે બાળકોના ઉપયોગ માટે યોગ્ય નથી.
બાળકોને કફ સિરપ આપવા મામલે સરકારની એડવાઈઝરી
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે બાળકોના મોત થયા હોવાનો મામલો સામે આવ્યા બાદ ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) દ્વારા મહત્ત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. ડીજીએચએસએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ આપવા અંગે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખાંસી અને શરદીની દવા બિલકુલ ન આપવી. પાંચ વર્ષથી નાના બાળકોને સિરપ આપતા પહેલા ડોક્ટર દ્વારા ક્લિનિકલ મૂલ્યાંકન કરવું ફરજિયાત છે. પ્રથમ વિકલ્પ દવા ન આપવાનો હોવો જોઈએ, તેઓને જરૂરી પાણી, આરામ અને દેખભાળ કરવી શ્રેષ્ઠ છે. તમામ આરોગ્ય સંસ્થાઓ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP) હેઠળ બનેલી દવાઓનો જ ઉપયોગ કરવો જોઈએ. ડોક્ટરો અને ફાર્માસિસ્ટને નિયમોનું પાલન કરાવવા માટે સંવેદનશીલ અને જાગૃત કરવા જરૂરી છે.

