વાલોડ તાલુકાના બહુારી ગામમાં જાહેરમાં પૈસા મૂકી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા 12 શખ્સોને તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર રમવા માટેના સાધનો સહિત કુલ રૂ.55,650નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે તમામને વાલોડ પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, તાપી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો દ્વારા જુગાર સહિતની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, વાલોડ તાલુકાના બહુારી ગામના વાડી ફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક શખ્સો જાહેરમાં પૈસા મૂકી ગંજીપાનાનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આહિરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા 12 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની અંગઝડતી તથા દાવ પર મુકેલી રકમની તપાસ કરતાં કુલ રૂ.34,150 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત 12 મોબાઇલ ફોન, ગંજીપાનાંના 52 છૂટા પાનાં તથા જુગારના અન્ય સાધનો મળી કુલ રૂ.55,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ સામે જુગારધારા કલમ-12 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. રાવલની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસે જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે વધુ કડક કાર્યવાહી ચાલુ રાખવાના સંકેત આપ્યા છે.


