ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલ કરાયા હતાં. જે રીતે મંત્રીમંડળની રચના કરાઈ છે તેના પરથી એક વાત એ સામે આવે છે કે, ભાજપ હાઇકમાન્ડે માલેતુજાર ધારાસભ્યોને મંત્રી બનાવ્યાં છે. નવા મંત્રીમંડળમાં કુલ 26 પૈકી 23 મંત્રીઓ કરોડપતિ છે. પ્રત્યેક મંત્રીની સરેરાશ મિલ્કત 11.2 કરોડ રૂપિયા છે. ઈન્ડિયન ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સૌથી વધુ પૈસાદાર મંત્રી છે.
મંત્રીમંડળમાં 90 ટકા મંત્રીઓ કરોડપતિ
ADRએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં નવા મંત્રીમંડળ વિશે રસપ્રદ તારણ બહાર પાડવામાં આવ્યા છે. 90 ટકા મંત્રીઓની મિલકત એક કરોડથી વધુ છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સૌથી ધનિક મંત્રી છે જેમની 97.35 કરોડની સંપત્તિ છે, જ્યારે નિઝરના ધારાસભ્ય જયરામ ગામિત સૌથી ઓછી મિલકત ધરાવતાં મંત્રી છે. તેમની પાસે માત્ર 46.96 લાખની મિલકત છે.
મંત્રીમંડળમાં 18 મંત્રીઓના માથે દેવું
નવા મંત્રીમંડળમાં 18 મંત્રીના માથે દેવુ છે. મંત્રી પુરુષોત્તમ સોલંકીના માથે 8.93 કરોડનું દેવુ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 17 કરોડ રૂપિયાની મિલકત-સંપતિ ધરાવે છે. તેમના માથે 8 કરોડ રૂપિયાનું દેવું છે. શૈક્ષણિક લાયકાત મુદ્દે વાત કરીએ તો, 6 મંત્રી ફક્ત 8 મું કે 12મું ધોરણ પાસ છે, જ્યારે 16 મંત્રી સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી ધારક છે. ચાર મંત્રી ડિપ્લોમા પાસ છે. નવનિયુક્તિ મંત્રીમંડળમાં માત્ર 10 મંત્રી એવા છે, જેમની ઉંમર યુવાન 31 થી 50 વર્ષની વચ્ચે છે, જ્યારે 15 મંત્રી 51 થી 70 વયના છે. માત્ર એક મંત્રી 71 વર્ષના છે. ટૂંકમાં તમારી પાસે રૂપિયા છે તો ટીકિટ મળવાના પૂરા ચાન્સ રહેલા છે.


