વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં નર્મદા ઘાટ નજીક ચાલી રહેલા નવીનીકરણની કામગીરી દરમ્યાન મોટી દુર્ઘટના ઘટી છે. અંહી ઘાટનું કામ ખૂબજ ઝડપથી ચાલી રહ્યું હતું આ દરમ્યાન અચાનક ભેખડ ધસી પડતા ત્રણ સ્થાનિક શ્રમિકો દટાઈ જતા ત્રણેય શ્રમિકાનો કરૂણ મોત નિપજ્યા છે. દુર્ઘટનામાં અક્તેશ્વર ગામના ત્રણ શ્રમિકો દટાયા હતા, તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
ભેખડ ધસી પડતા દટાઈ ગયેલા શ્રમિકોની યાદી
1. શૈલેષભાઇ કનુભાઈ તડવી 35 વર્ષ રહે. અક્તેશ્વર(નીચલું ફળિયું)
2. દિલિપભાઈ ભાણાભાઈ તડવી 47 વર્ષ રહે. અક્તેશ્વર(નીચલું ફળિયું)
3. રોહિતભાઈ રણછોડભાઈ તડવી 45 વર્ષ રહે. અક્તેશ્વર(નીચલું ફળિયું)
આ ત્રણેય શ્રમિકોના મોત થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. મહત્વનું છે કે, આગામી 31 મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી થવાની છે. પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાના હોવાથી એક્તા પરેડ અને સ્ટેચ્યુ તેમજ આજુબાજુના વિસ્તારમાં વિવિધ વિકાસના કામોને વહેલી તકે પૂરા કરવા તંત્ર દિવસ રાત યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે તેવા સમયે અચાનક ભેખડ ધસી પડતા સ્થાનિક અને એક સમાજના ત્રણ લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે.


