તુર્કીમાં ભેગા થયા વિશ્વના 57 મુસ્લિમ દેશો ઇસ્તંબુલમાં મળેલી આ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ની બે દિવસીય બેઠકમાં ૫૭ સભ્યોના મુસ્લિમ રાષ્ટ્ર OICના વિદેશ મંત્રી પરિષદ (CFM) એ પોતાના સંયુક્ત નિવેદનમાં એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ (IWT) ચાલુ રાખવાની વાત કરી હતી. તો બીજી તરફ ભારતની લશ્કરી કાર્યવાહી અને કાશ્મીર નીતિ પર એકતરફી ટિપ્પણી પણ કરવામાં આવી હતી. OICએ તેના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાનના વલણને સંપૂર્ણ સમર્થન આપે છે અને ભારત મહત્તમ સંયમ રાખે તેવી અપેક્ષા રાખે છે.
ભારત-પાકિસ્તાનની સિંધુ સંધિ તૂડવી ન જોઈએ
આ બેઠક પછી જારી કરાયેલા ઔપચારિક નિવેદનમાં, OICએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બંને પક્ષોએ ૧૯૬૦માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સિંધુ જળ કરારનું કડક પાલન કરવું જોઈએ. “આ ઐતિહાસિક કરાર કોઈપણ સંજોગોમાં તોડવો જોઈએ નહીં. બંને પક્ષોએ તેનો અમલ ચાલુ રાખવો જોઈએ.” આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે સિંધુ સંધિ પર પોતાનું વલણ કડક બનાવ્યું હતું અને પાકિસ્તાનને જતું પાણી રોકવાનો સંકેત આપ્યો હતો. પાકિસ્તાને આનો સખત વિરોધ કર્યો હતો અને યુદ્ધ જેવી ધમકી આપી હતી. આ મુદ્દા પર બંને દેશો વચ્ચે ત્રણ મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો છે.
ભારત પર લશ્કરી ગતિવિધિઓમાં વધારો કરવાનો આરોપ
OICના CFMએ એક નિવેદનમાં જણાવ્યું કે “અમે દક્ષિણ એશિયામાં વધતી લશ્કરી પ્રવૃત્તિઓ અંગે ખૂબ ચિંતિત છીએ. પાકિસ્તાનમાં અનેક સ્થળોએ ભારત દ્વારા લશ્કરી હુમલાઓ પ્રાદેશિક અસ્થિરતામાં વધારો કરી શકે છે.” OIC એ બંને પક્ષોને ઉશ્કેરણીજનક કાર્યવાહીથી દૂર રહેવા અને મહત્તમ સંયમ રાખવા વિનંતી કરી હતી. આ સ્પષ્ટપણે ભારતને નિશાન બનાવતો સંકેત છે, કારણ કે પાકિસ્તાન OICનું કાયમી સભ્ય છે અને લાંબા સમયથી તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ રાજદ્વારી હથિયાર તરીકે કરી રહ્યું છે.
ભારત માટે વધતો રાજદ્વારી પડકાર
OICનું તાજેતરનું વલણ ભારત માટે રાજદ્વારી રીતે અસ્વસ્થતાભર્યું છે. એક તરફ, ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાને વૈશ્વિક નેતા અને વિકાસ ભાગીદાર તરીકે રજૂ કરી રહ્યું છે, તો બીજી તરફ, OIC જેવા સંગઠનોમાં પાકિસ્તાનના સતત પક્ષપાતી લોબિંગને કારણે તેને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સિંધુ જળ સંધિ જેવા જૂના અને સ્થિર કરારોને પણ હવે ભૂ-રાજકીય સંઘર્ષના કેન્દ્રમાં લાવવામાં આવી રહ્યા છે, જેનાથી દક્ષિણ એશિયામાં અશાંતિ વધુ ઘેરી બનવાની શક્યતા વધી રહી છે.