વડોદરા શહેરના-દાંડીયા બજારમાં ખાનકાહે-આલિયા રિફાઈયા ખાતે પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન અલ-મારૂફ અમીરમીયાં રિફાઈ સાહેબના ૧૮૫માં ઉર્સ-શરીફની થયેલી ત્રિદિવસીય ઉજવણીના સમાપન પ્રસંગે ખાનકાહે-આલિયા રિફાઈયાનાં સજ્જાદાનશીન પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબે તેમના સંબોધનમાં જણાવ્યું હતુ કે, ઇસ્લામ સમગ્ર માનવજાત માટે શાંતિ, સલામતી, પ્યાર-મહોબ્બત, ભાઇચારાની ભાવના સાથે વિશ્વ બંધુત્વનો સંદેશો આપે છે. બુઝુર્ગાને દિન–અવલીયા-અલ્લાહના આસ્તાના ઉપરથી પણ લોકોમાં આવો જ સંદેશો પ્રસરતો હોય છે. માનવતાના કલ્યાણ માટે ખુદાએ-ઇશ્વરે મનુષ્યને આપેલા અમૂલ્ય માનવ જીવનને સાચા અર્થમાં સાર્થક કરીને તમામ લોકોએ પારસ્પરિક પ્રેમ-આદર, સદભાવ-સૌહાર્દ, દિલી સહિષ્ણુતાની પ્રબળ ભાવના સાથે માનવતાની અખંડ જ્યોત સદાય પ્રજ્જવલિત રહે તેવો ખાસ સંદેશ તેમણે આપ્યો હતો.
ભારત દેશમાં ભાઇચારો-એક્તા બની રહે અને દરેક જાતિ અને ધર્મના લોકો પોતપોતાના તમામ તહેવારો ભાઇચારાની ભાવના સાથે કોમી એખલાસથી સૌંહાર્દભર્યા વાતાવરણમાં ઉજવતા રહે તેવી પણ ખાનકાહે-આલિયા રિફાઈયાનાં સજ્જાદાનશીન પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. વિકાસની દિશામાં અવિરત આગેકુચ કરી રહેલા આપણા ભારત દેશનું નામ વિશ્વમાં ઉંચુ રહે તેવી શુભકામનાઓ સાથેની ખાસ દુવા તેમણે સૈયદ ફખરૂદ્દીન રિફાઈ સાહેબના વસીલાથી પાક પરવરદિગારની બારગાહમાં ગુજારી હતી.
ઉર્સ ઉજવણીના પાવન અવસરે સૈયદ મોઈનુદ્દીન રિફાઈ (નૈયરબાબા), મૌલાના સૈયદ હિસામુદ્દીન રિફાઈ (હિસામબાબા)ની પણ વિશિષ્ટ હાજરી રહી હતી. કોમી એક્તાના પ્રતિક પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન અલ-મારૂફ અમીરમીયાં રિફાઈની પવિત્ર ખાનકાહે રિફાઇયા ખાતે તેમનો ૧૮૫ મો ઉર્સ ધાર્મિક ઉલ્લાસ અને શ્રધ્ધાથી ઉજવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ખાસ મહેમાનો, મહાનુભાવો અને અકીદતમંદોની હકડેઠઠ મેદનીને સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબે આશિર્વચન પાઠવ્યાં હતાં. આ ઉર્સ ઉજવણીના પાવન પ્રસંગે ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલી રક્તદાન શિબિરમાં શ્રધ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ૭૦ યુનિટ-બોટલ રક્ત એકત્ર કરાયું હતું.