ચિરાગ તડવી, નર્મદા
નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા ઝરવાણી ગામના લોકો મૂળભૂત સુવિધાઓના અભાવે જીવનું જોખમ ખેડી રહ્યા છે. ગામની નજીકથી વહેતી ખાડી પાર કરવા માટે પુલની સુવિધા ન હોવાથી લોકો વીજપોલનો સહારો લઈને નદી પાર કરવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિને કારણે રોજના 1000થી વધુ લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મજૂરો, જીવલેણ જોખમનો સામનો કરી રહ્યા છે. ઝરવાણી ગામ, જે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલું છે, તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક હોવા છતાં વિકાસની દૃષ્ટિએ ઘણું પાછળ રહી ગયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખાડી પર પુલ બનાવવાની માંગ વર્ષોથી કરવામાં આવે છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. વરસાદની ઋતુમાં ખાડીનું જળસ્તર વધવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે, અને લોકોને વીજપોલનો આધાર લઈને ખાડીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
ગ્રામજનો દ્વારા વર્ષોથી પુલની માગ:-
આ તકલીફ મુદ્દે સામાજિક કાર્યકર ધીરજભાઈ ડી વસાવાએ જણાવ્યું કે, ઝરવાણી ગામ પાસેથી વહેતી ખાડીને ગામના 80 થી 90 ઘરના લગભગ એક હજાર જેટલા લોકો દરરોજ ઓળંગીને અવર જવર કરે છે. અમારા ગામની આ ખાડી ઉપર પુલ કે કોઝવે જેવું નાળુ બનાવવામાં આવે એની અમો ગ્રામજનો દ્વારા વર્ષોથી માગ કરવામાં આવી રહી છે. આ મામલે નર્મદા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિત નાઓને લેખિત આવેદનપત્ર આપી રજુઆતો પણ કરવામાં આવી છે.
2022માં ટેન્ડરિંગ મજૂર થયું હતું:-
તા 21જુલાઈ 2022 મા ટેન્ડરિંગ પણ મંજૂર થયું હતું 22 મી ફેબ્રુઆરી 2024 ના ઇજારદારને કામ કરવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. અને 9 મહિનામાં કામ પૂરું કરવાનું પણ જણાવ્યું હતું પરંતુ અમારા ગામ ખાતે પુલ કે કોઝવે નાળાનું કોઈ કામકાજ થતું નથી! અમને ચોમાસાની સિઝનમાં ભારે મુસીબતનો સામનો કરવો પડે છે. ગુજરાતની ભૂપેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારમાં વિકાસની મોટી -મોટી વાતો કરે છે. પરંતુ આદિવાસી વિસ્તારમાં અને અંતરિયાળ વિસ્તારમાં વિકાસની વાસ્તવિકતા કંકઈ અલગ પ્રકારની છે. લોકો વર્ષોથી પુલની માંગ કરી રહ્યા છે. સરકારના અધિકારીઓ કોઈપણ વાત સાંભળવા તૈયાર નથી.