વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે. કપરાડામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ વરસતો હોવાથી ચોમાસા દરમિયાન કાપરાડાનો વિસ્તાર અહીં આવતા લોકો માટે સ્વર્ગ સમૂહ લાગે છે. જોકે આ વિસ્તારના નદીનાળા કિનારે રહેતા લોકો માટે ચોમાસાના ચાર મહિના અત્યંત મુશ્કેલી અને જીવને જોખમમાં મૂકી પસાર કરવા પડી રહ્યા છે. નાનીપલસાણ ગામની પણ મોટી સમસ્યા છે. ગામ વચ્ચેથી વહેતી નદી પર પુલના અભાવે લોકો જિંદગી જોખમમાં મૂકી ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબુર છે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના નાની પલસાણ ગામના લોકો ચોમાસાના ચાર મહિના જીવને જોખમમાં મૂકી પસાર કરવા મજબૂર છે. ગામ વચ્ચેથી પસાર થતી દમણગંગા નદી પર પુલ કે કોઝવેના અભાવે આ ગામના લોકો રોજ જીવને મુઠીમાં લઇ ઘરથી નીકળે છે. નાનીપલસાણ ગામ વચ્ચેથી દમણગંગા નદી પસાર થાય છે. જિલ્લાની સૌથી મોટી નદી હોવાથી દમણગંગા નદીમાં ચોમાસામાં ચારે મહિના પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે. આથી દમણગાં નદીને કારણે નાની પલસાણ ગામ બે ભાગોમાં વહેંચાઈ જાય છે.. ગામના નદીના એક તરફના ભાગમાં આવેલા ગવુળપાડા ફળિયામાં ગવુળપાડા ફળિયામાં 50થી 60 પરિવારોના 300થી વધુ સભ્યો ગામના મુખ્ય ભાગ સુધી આવવા ચોમાસાના ચાર મહિના ટાયર ટ્યુબના સહારે આ નદી પસાર કરવા મજબૂર છે.
આ ફળિયાના લોકોએ મૂળ ગામ સુધી જવા કોઈ પુલ કે અન્ય રસ્તાના અભાવે કોઈ વાહનો લઇ ને નહીં પરંતુ હવા ભરેલી ટાયરની ટ્યુબ લઈને નીકળવું પડે છે.. અને લોકો આવી જ રીતે આ નદી પસાર કરવા મજબૂત થઈ રહ્યા છે. આ ફળિયાના લોકોએ રોજિંદા તમામ કામો માટે નદીની સામે પાર જવું પડે છે. દુકાન સુધી જવા કે સામાન લેવા પણ લોકોએ આવી જ રીતે આ ટાયર ટ્યુબના ભરોસે રહેવું પડે છે. એટલું જ નહીં જ્યારે મેડિકલ ઈમરજન્સી હોય કોઈ દર્દીને નદીના સામે પાર લઈ જવું હોય ત્યારે પણ 108 કે અન્ય કોઈ મદદ રસ્તાથી નહીં મળી શકતા લોકોએ આવી જ રીતે આ ટ્યુબ પર દર્દીને લઈ અને નદી પસાર કરવી પડે છે. ગામ નું સ્મશાન પણ નદીની સામે પાર હોવાથી ચોમાસાના કોઈના અવસાન બાદ અંતિમયાત્રા પણ આવી જ રીતે ટાયર ટ્યુબના સહારે કાઢવા લોકો મજબૂર છે.આથી વર્ષોની આ સમસ્યાથી પીડાતા લોકો હવે દમણગાં નદી પર નાનો પુલ કે કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છે.