કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું ઉદઘાટન કાર્યક્રમની પત્રિકામાં ગામના સરપંચ રણજીતભાઈ રમેશભાઈ પટેલનું નામ સામેલ ન કરવામાં આવતાં સ્થાનિક લોકોમાં તીવ્ર અસંતોષ ફેલાયો છે. ૨૮ મે ૨૦૨૫ના રોજ યોજાનાર આ ઉદઘાટન કાર્યક્રમની પત્રિકામાં મંત્રીઓ, ધારાસભ્યો અને ભાજપના અન્ય હોદેદારોના નામ છપાવવામાં આવ્યા છે,
પરંતુ ગામના પ્રથમ નાગરિક અને મુખ્ય પ્રતિનિધિ તરીકે સરપંચનું નામ જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યું છે. ગામના લોકોનું કહેવું છે કે આ આરોગ્ય કેન્દ્ર સરકારના અર્થાત જનતાના પૈસાથી બનાવવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં ગામના ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ પત્રિકામાંથી દૂર રાખવું એ અન્યાયપૂર્ણ છે. તેઓ પૂછે છે કે કોના કહેવાથી અને કયા કારણોસર સરપંચનું નામ પત્રિકામાંથી કાઢી નાખવામાં આવ્યું છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે આ આરોગ્ય કેન્દ્ર ગામના વિકાસનો ભાગ છે અને ગામના મુખ્ય પ્રતિનિધિ તરીકે સરપંચની ભૂમિકાને સ્વીકારવી જોઈએ. તેમના મતે આવા પ્રસંગોમાં રાજકીય પૂર્વગ્રહ રાખવો યોગ્ય નથી.આ વિવાદને કારણે ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ છે અને લોકો આ અન્યાયના વિરોધમાં એક થયા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે આવા નિર્ણયો લેનારાઓએ જાહેર માફી માંગવી જોઈએ અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની ખાતરી આપવી જોઈએ