આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વની ઓળખ નિમિત્તે દર વર્ષે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના અનુસંધાને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે ભવ્ય રીતે આ દિવસની ઉજવણી કરવાની તૈયારીઓ માટે ગ્રામપંચાયતમાં બેઠક મળી હતી. મહત્વની આ બેઠક જીતુ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ગામના અગ્રણીઓ, યુવા પ્રતિનિધિઓ તથા સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં આદિવાસી સમાજના ગૌરવ, ભાષા, વસવાટ, પરંપરા અને સંસ્કૃતિના જતન માટે આ વર્ષે “ધરતીના વીર પુત્ર બિરસા મુંડા”ની 150મી જન્મજયંતિ સાથે વિશેષતાપૂર્વક વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની યોજના બનવામાં આવી હતી.
“આદિવાસી હોવું એ ગૌરવની વાત”
આ બેઠકમાં જીતુ ચૌધરીએ કહ્યું કે, “આદિવાસી હોવું એ ગૌરવની વાત છે. આપણું પોતાનું જીવન શૈલી, ભાષા, વસવાટ અને સંસ્કૃતિ છે. આપણું વસ્ત્રપરિધાન, રહેઠાણ અને જીવન પદ્ધતિ એ જ આપણી ઓળખ છે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે આપણા પૂર્વજોએ પર્યાવરણ સાથે સુમેળમાં જીવવાનો સંદેશો આપ્યો હતો.” તેમણે વધુમાં કહ્યું કે, “આ વર્ષે બિરસા મુંડાની 150મી જન્મજયંતિને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમમાં તેમના જીવન સંદેશો અને બલિદાનને સ્મરણ કરવામાં આવશે. આ પ્રસંગે નાનાપોઢા પીએમસી માર્કેટથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગામના મુખ્ય માર્ગોથી પસાર થઇને બિરસા મુંડા સર્કલ સુધી જશે, જ્યાં સમાજના અગ્રણીઓ દ્વારા પૂજન વિધિ કરવામાં આવશે અને તેના પછીએ સંકલ્પ સાથે પૂર્ણાહુતિ થશે.આ ઉજવણીમાં પરંપરા અને ગૌરવને મહેક આપવાનો ઉમંગ લોકોમાં પણ અત્યારથી જ જોવા મળી રહ્યો છે.