બ્રિટિશ મોનિટરિંગ એજન્સી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, લાલ સમુદ્રમાં યમનના કિનારા નજીક એક જહાજ પર સશસ્ત્ર દળના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમાં આગ ફાટી નીકળી હતી. સશસ્ત્ર દળના માણસો દ્વારા ગોળીબાર અને રોકેટથી ગ્રેનેડ હુમલો કરાયો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી, પરંતુ આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ, ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અને ઈરાની પરમાણુ સ્થળો પર યુએસ દ્વારા હવાઈ હુમલા પછી આ હુમલો કરવામાં આવ્યો છે. બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે જહાજ પર સવાર સશસ્ત્ર સુરક્ષા ટીમે જવાબી કાર્યવાહી કરી હતી. આ હુમલો યમનના હોદેદાથી લગભગ 100 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં કરવામાં આવ્યો હતો.
આઠ સ્કિફ દ્વારા હુમલો:-
ખાનગી દરિયાઈ સુરક્ષા કંપની એમ્બ્રેએ ચેતવણી જારી કરીને કહ્યું કે લાલ સમુદ્રમાં ઉત્તર તરફ જઈ રહેલા એક વેપારી જહાજ પર આઠ સ્કિફ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એમ્બ્રેએ બાદમાં કહ્યું હતું કે જહાજ પર બોમ્બ વહન કરતી ડ્રોન બોટ દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હતો, જે આ ક્ષેત્રમાં મોટા યુદ્ધનો સંકેત હોઈ શકે છે.
એક ટ્રિલિયનના વેપારને નુકસાન:-
નવેમ્બર 2023 અને જાન્યુઆરી 2025ની વચ્ચે, હુથીઓએ મિસાઇલો અને ડ્રોનથી 100થી વધુ વેપારી જહાજોને નિશાન બનાવ્યા છે. હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં બે જહાજો ડૂબી ગયા હતા અને ચાર ખલાસીઓ માર્યા ગયા હતા. આનાથી લાલ સમુદ્ર કોરિડોર દ્વારા વેપારનો પ્રવાહ ઓછો થયો હતો. જેના કારણે સામાન્ય રીતે વાર્ષિક $1 ટ્રિલિયનનો માલના વહન પર અસર થઈ છે. સોમાલી ચાંચિયાઓ પણ આ પ્રદેશમાં સક્રિય છે, જોકે સામાન્ય રીતે તેઓ તેમના ક્રૂ પાસેથી લૂંટ અથવા ખંડણી વસૂલવા માટે જહાજો કબજે કરે છે. પરંતુ યમનના કોસ્ટ ગાર્ડ અને ચાંચિયાઓ તેમના હુમલામાં ડ્રોન બોટનો ઉપયોગ કરતા નથી.