રાણીઆંબા રેલ્વે ફાટક પાસે રેલ્વે વિભાગે કામગીરી શરૂ કરતા આ ફાટક વાળા રસ્તા પરથી પસાર થતાં હજારો લોકોને સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. રેલ્વે વિભાગે રાણીઆંબા રેલ્વે ફાટક અચાનક બંધ કરી દેતા ટોકરવા સાઈટથી સોનગઢ આવતા જતા લોકો અને સોનગઢથી ટોકરવા રૂટ પર જતા લોકો મુશ્કેલીનો સમાનો કરી રહ્યા છે. આ રસ્તા પરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો પસાર થતાં હોય છે. તેવા સમયે અચાનક રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરતા વાહનચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની અંદર લોકો દૂર-દૂરથી પ્રવાસન સ્થળની મુલાકાત લેવા માટે આવતા હોય છે. તેવા જ સમયે રેલ્વે વિભાગે રસ્તો બંધ કરી દેતા લોકો અને વાહન ચાલકોને મોટી સમસ્યા નડી રહી છે. અત્યારે લોકો જે સ્થળેથી અવર-જવર કરે છે ત્યાં તે સ્થળે પણ સતત પાણી ભરાયેલું રહેતું હોવાની ભારે હાલાકી નડવાનો વારો આવ્યો છે.
જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર:-
રેલ્વે વિભાગે રેલ્વે ફાટક પાસે કામગીરી શરૂ કરતા લોકો રાણીઆંબા તરફ જવાના રસ્તા પરથી મુસાફરી કરી રહ્યા છે. પરંતુ રાણીઆંબા તરફ જવાના રસ્તા પર ગરનાળા પાસે પાણી ભરાઈ જતા લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. લોકો કહી રહ્યા છે કે રેલ્વે વિભાગ ભલે કામગીરી કરે પણ લોકોને આવવા-જવા માટે તો પહેલા વૈલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે. અત્યારે લોકો રાણીઆંબા તરફ જવાના ગરનાળા પાસેથી પસાર થઈ રહ્યા છે. ત્યાં રસ્તા પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગરનાળા પાસેથી સતત પાણી વહી રહ્યું છે. અને આ જ પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. કારણ કે,રેલ્વે વિભાગે કે સ્થાનિક તંત્રએ લોકો માટે કોઈપણ જાતની વ્યવસ્થા ઊભી કરી નથી એટલે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે જો કોઈ ઘટના બને તો જવાબદારી કોણ લેશે તેને લઈને પણ અનેક સવાલ તંત્ર સામે ઉઠી રહ્યા છે.
થોડા વર્ષે પહેલા બ્રિજની કરાઈ હતી માગ ?
થોડા વર્ષે પહેલા કેટલાક કાર્યકરો દ્વારા ચાપાવાડી ફાટક પાસે બ્રિજની માગ કરવામાં આવી હતી. બ્રિજની માગ દરમ્યાન કેટલાક કાર્યકરોએ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેનું પરિણામ ઝીરો મળ્યું હતું. વિરોધ જોતા તંત્રએ વિરોધ કરી રહેલા લોકોને આશ્વસન આપી દીધું હતું કે, તમારી માગણી ધ્યાને લીધી છે. તમારી જે પણ માગ છે તે પૂર્ણ કરી દેવામાં આવશે તેવી તંત્રએ બાહેધારી આપી હતી. પરંતુ આજદિન સુધી અંહી બ્રિજ બન્યો નથી.જેના કારણે લોકો સતત સમસ્યાનો સામનો કરી રહ્યા છે.