ડાંગ જિલ્લના માછળી ગામ નજીક આવેલા મિલન ધોધમાં તાપી જિલ્લાના રામપુરા ગામના બે યુવકો ડૂબી જતાં મોત થયા હતા. ધોધમાં ડૂબી જનારા યુવકોમાં એક મિહિર મહેન્દ્ર ગામીત છે. જ્યારે અન્ય એક નિહિત નિતેશ ગામીત હોવાની માહિતી મળી રહી છે. ચોમાસાની સિઝન હોવાથી મિલન ધોધમાં પાણીનો પ્રવાહા પણ વધારે છે. તેમજ ધોધની નજીકમાં પાણીનો ઊંડો કુંડ આવેલો છે. આ કુંડમાં અત્યારે પાણી ડહોળું હોવાથી યુવકોની શોધખોળ કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે ગામ લોકોના સહયોગથી બંને યુવકોના મૃતદેહ શોધી મિલન ધોધમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, ડાંગ વહીવટી તંત્ર દ્વારા મિલન ધોધમાં નાહવા પર છે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે છતાં પ્રવાસીઓ નિયમોનું ઉલ્લંઘન કરી મિલન ધોધ તેમજ ડાંગ જિલ્લાના અન્ય ધોધમાં નાહવા પડતા હોય છે.
અગાઉ કોષમાળ ગામના ધોધમાં લોકો ફસાયા હતા:-
ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ડાંગ જિલ્લામાં અનેક ધોધ સક્રિય થઈ જતા હોય છે. થોડા સમય પહેલા કોષમાળ ગામે આવેલા ભેગું ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં અંહી પણ કેટલાક પ્રવાસીઓ ફસાઈ ગયા હોવાની ઘટના બની હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં પ્રવાસીઓ એકબીજાનો હાથ પકડીને પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. એટલે ચોમાસામાં ડાંગ તેમજ તાપી જિલ્લામાં આવેલા કુદરતી સૌર્ધ્યની મજા માણવા આવતા લોકોને પોતાનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવે છે. સાવચેતી એજ સલામતી.