માહિતી ખાતા દ્વારા શરુ કરવામાં આવેલી ‘Gujarat Information’ નામની વ્હોટ્સએપ ચેનલના બહોળા પ્રચાર પ્રસારના ભાગરૂપે આજે તાપી માહિતી કચેરી દ્વારા આજે વ્યારાના વધુ અવરજવર ધરાવતા સ્થળોની મુલાકાત લઈ બેનર્સ લગાવી લોકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એક જ દિવસમાં ૫૫૦થી વધુ લોકોને વ્હોટ્સએપ ચેનલમાં જોડી વિક્રમ સર્જ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર જનતામાં સત્તાવાર માહિતીનો પ્રચાર-પ્રસાર થાય તે માટે ગાંધીનગર સ્થિત માહિતી ખાતાની વડી કચેરી દ્વારા કેટલાક સમય પૂર્વે વ્હોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે. જેના પ્રચાર પ્રસારના ભાગરૂપે તાપી માહિતી કચેરીના કર્મીઓ દ્વારા આજે વ્યારાના જિલ્લા સેવા સદનના જનસેવા કેન્દ્ર, કોલેજ, ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, લાઈબ્રેરી, બસ મથક, હાટ બજાર જેવા વધુ અવરજવર ધરાવતા વિવિધ સ્થળોની મુલાકાત લઈ બેનર્સ લગાવી સ્થાનિકોને માહિતી આપી વ્હોટ્સેપની ચેનલમાં જોડવામાં આવ્યા હતા. સાથે સાથે તંત્રના આંતરિક વોટ્સએપ ગ્રુપ્સમાં મેસેજીસ વાઇરલ કરી લોકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
મુલાકાત દરમિયાન આ ચેનલના જુના યુઝર એવા કોલેજના વિદ્યાર્થી દર્શન ચૌધરી પોતાનો અનુભવ શેર કરતા જણાવે છે કે છેલ્લા કેટલાક સમયથી આ ચેનલને હું નિયમિતપણે ફોલો કરું છું. આજના ડિજિટલ યુગમાં વ્હોટ્સએપમાં કે સોશિયલ મીડિયા માધ્યમોમાં ઘણા ન્યુઝ, માહિતી ફરતી થાય છે પણ તેની વિશ્વસનીયતા અંગે સતત સવાલો થતા રહે છે. પરંતુ આ ચેનલના માધ્યમથી સાચી અને વિશ્વસનીય માહિતી મળી રહી છે. નોંધનીય છે કે આ ચેનલ ઉપર રાજ્ય સરકારના જનહિતલક્ષી નિર્ણયો, સમાચારો, યોજનાકીય માહિતી દૈનિક રીતે મુકવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર અને નાગરિકો વચ્ચેના સંવાદસેતુ બનવાના હેતુ સાથે કાર્યરત માહિતી વિભાગની વોટસઅપ ચેનલ સાથે જોડાવવા નમ્ર અનુરોધ કરવામાં આવે છે. આ ક્યુઆર કોડ કે લીંકના માધ્યમથી https://whatsapp.com/channel/0029VaTfD2nKwqSbFOGPlm22 ચેનલમાં જોડાઇને ગુજરાત સરકારની સત્તાવાર માહિતી સરળતાથી મેળવી શકો છો.