હજુ તો અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લોકો ભુલ્યા નથી. આ બધાં વચ્ચે ગુરુવારે વધુ એક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રશિયન પેસેન્જર વિમાન ગુમ થયું હતું, પરંતુ હવે એક અપડેટ પ્રાપ્ત થયું છે કે વિમાન ક્રેશ થયું છે. આ પેસેન્જર વિમાનમાં અંદાજે 50 લોકો સવાર હતા. અંગારા એરલાઇન્સની ફ્લાઇટ ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના ટિંડા શહેર તરફ જઈ રહી હતી, પરંતુ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક અધવચ્ચે જ તૂટી ગયો હતો. હવે રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. રશિયાનું An-24 પેસેન્જર વિમાન ટિંડા એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તેનો પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. તે બીજા પ્રયાસ માટે આકાશમાં ચક્કર લગાવી રહ્યું હતું અને પછી ગુમ થઈ ગયું. પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, બોર્ડમાં 43 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા, જેમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે.
શું પાઇલટની ભૂલને કારણે વિમાન ક્રેશ થયું?
પ્રારંભિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાન પાઇલટની ભૂલને કારણે ક્રેશ થયું છે. લેન્ડિંગના બીજા પ્રયાસ દરમિયાન, ખરાબ હવામાનને કારણે તે કંઈ સ્પષ્ટ રીતે જોઈ શક્યો નહીં અને આ જ કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે.
વિમાન લગભગ 50 વર્ષ જૂનું હતું
સાઇબિરીયા સ્થિત અંગારા એરલાઇન્સનું આ વિમાન લગભગ 50 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. તેના પૂંછડી નંબર પરથી જાણવા મળે છે કે તે 1976માં બનાવવામાં આવ્યું હતું. બચાવ ટીમ હેલિકોપ્ટર દ્વારા વિમાનને શોધી રહી હતી, ત્યારે વિમાનનો આગળનો ભાગ જમીન પર સળગતો જોવા મળ્યો. આ જોઈને, બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિમાન દુર્ઘટના અંગે એરપોર્ટ અધિકારીઓએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. જેમાં જણાવ્યું કે, પાઇલટ બીજી વખત લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના તરફથી કોઈ પ્રકારની ભૂલ હોવાની શંકા છે. અંગારા એરલાઇન્સનું આ વિમાન અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું હતું અને દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે.