૯ ઓગસ્ટે આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ- તાપી કે તારે’ અંતર્ગત અનોખા શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના આદિજાતી સમાજના ૨૮ તેજસ્વી તારલાઓ ૧૦મી ઑગસ્ટ ૨૦૨૫ના રોજ સુરતથી હવાઈમાર્ગે ચેન્નઈ જઈ રહ્યા છે. જ્યાં તેઓ ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરોના હરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેશે. જેના ભાગરૂપે આ પ્રવાસે જતા ૨૮ આદિવાસી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે મુલાકાત:-
કલેક્ટરએ બાળકો, તેમના વાલીઓ અને આ શૈક્ષિણક પ્રવાસમાં જોડાનાર શિક્ષકઓ સાથે રસપ્રદ સંવાદ સાધ્યો હતો. કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલ આ મુલાકાતની શરૂઆતમાં કલેકટરએ બધા બાળકો સાથે પરિચય કેળવ્યો હતો અને બધા બાળકોને સ્પેસ, વિજ્ઞાન, સેટેલાઇટ અને રોકેટ વિષે સવાલ પૂછ્યા હતા. કલેક્ટરએ બાળકોને હળવા અંદાજમાં જણાવ્યું હતું કે અહી કરતાં ત્યાંની વાનગીઓ અલગ છે પણ જો ખાવાનું ન ભાવે તો સાથે આવેલા ટીચરને કહી દેજો પણ ભૂખ્યા ન રહેવા જણાવ્યું હતું.
તાપી જિલ્લા માટે ગર્વની વાત:-
ગર્વની લાગણી અનુભવતા ક્લેક્ટર જણાવ્યું હતું કે ઈસરો તો હું પણ નથી ગયો પણ તમે જઈ રહ્યા છો એનું ગર્વ છે. ત્યારબાદ આ આદિવાસી સમાજના ૨૮ તાપીના તારલાઓએ કલેકટરશ્રીને ખાસ ડિઝાઇન કરેલી ટીશર્ટ ગિફ્ટ કરી આભાર માન્યો હતો. આ મુલાકાતમાં કલેક્ટરશ્રી સાથે પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોર, સહાયક માહિતી નિયામક શ્રી સુમિત ગોહિલ તથા પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.