તાપી ઉચ્છલના બાબરઘાટ ખાતે ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે ૧૭૨ વિધાનસભા મતવિસ્તારના ૫.૩૮ કરોડના ૩૬ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાને વંદન કરતા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશભરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખુ વર્ષ જનનાયક ગૌરવ વર્ષ જાહેર કર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે શિક્ષણ, આરોગ્ય, આવાસ, શિષ્યવૃત્તિ જેવી અનેક યોજનાઓ આદિવાસીઓના ઉત્થાન માટે જાહેર કરી છે. તેના સફળ અમલીકરણ માટે હું વહીવટીતંત્ર અને સંગઠનની કામગીરીને બિરદાવું છું. જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાએ લોકબોલી વસાવામાં લોકોને સંબોધતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે અંગ્રેજો સામે ઝઝુમતા પોતાનું બલિદાન આપ્યું છે. તેમણે આદિવાસી સમાજને દરેક ક્ષેત્રે આગળ લાવવા પ્રયાસ કર્યો હતો.
ધારાસભ્ય ડૉ.જયરામ ગામીતનું નિવેદન:-
નિઝર બેઠકના ધારાસભ્ય ડૉ.જયરામ ગામીતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી સમાજના વિકાસ માટે કટીબધ્ધ છે. આ વિસ્તારના વિસ્થાપિતો માટે અંદાજીત ૧ હજાર કરોડના ખર્ચે સિંચાઈના પાણીની સુવિધા પૂર્ણતાને આરે છે. તાપી જિલ્લો અનેક ક્ષેત્રે રાજ્યમાં અવ્વલ રહ્યો છે. આપણે સૌએ એકબીજાને પણ મદદ કરીએ.