ભારતીય ક્રિકેટ ટીમમાં આજકાલ વર્કલોડ મેનેજમેન્ટ અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે પૂર્ણ થયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બુમરાહ માત્ર 3 મેચમાં મેદાનમાં ઉતર્યો હતો. આ કારણે તેની ટીકા પણ થઈ હતી. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું હતું કે બુમરાહને આ પ્રવાસમાં બધી ટેસ્ટ મેચ રમવી જોઈતી હતી. દરમિયાન, હવે ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન દિલીપ વેંગસરકરે પણ બુમરાહ અને વર્કલોડ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
ભારતીય ટીમ મેનેજમેન્ટ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા
તેમણે ભારતીય ટીમ મેનેજમેન્ટ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. વેંગસરકરે માને છે કે વર્કલોડને કારણે બુમરાહને બે મેચથી દૂર રાખવો એ યોગ્ય નિર્ણય નહોતો. દિલીપ વેંગસરકરે સીધા જ કહ્યું કે જો BCCI એ બુમરાહને IPL 2025માં રમવાથી રોક્યો હોત, તો તેને વર્કલોડની જરૂર ન પડી હોત. આવી સ્થિતિમાં, તેમનું નિવેદન હવે વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. કારણ કે બુમરાહ પણ ઈજાને કારણે IPLમાં જોડાવામાં મોડું થયું હતું.
બુમરાહની ફિટનેસ માટે BCCI જવાબદાર છે!
વેંગસરકરે વધુમાં કહ્યું કે, ‘ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને, BCCI, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે તેમને IPL 2025થી દૂર રહેવાનું કહેવું જોઈતું હતું, પરંતુ એવું થયું નહીં. તે પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ પણ થયો ન હતો અને IPL રમવા ગયો હતો.’