વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ અને ધરતી આબા બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ભાવભેર કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે નાનાપોઢા સર્કલ ખાતે સ્થાપિત બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી સંસ્કૃતિ અનુસાર ગામના અગ્રણીઓએ વિધિવત પૂજા-અર્ચના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પૂજા-અર્ચના પ્રસંગે એ.પી.એમ.સી. ચેરમેન અને નાનાપોઢા ગામના સરપંચ મુકેશભાઈ પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવીત, ચિરંજીવી હોસ્પિટલ ડો. દિવ્યેશભાઈ ચૌધરી, ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ કેતનભાઈ પટેલ ,પોલીસ ઇન્સપેક્ટર બી. આર. બેરા, મંગુભાઈ ગાવીત, લાલુભાઈ ગાવીત,કાળુભાઇ, રઘુભાઈ ગાવીત , નિવૃત્ત અધિક કલેકટર જે.ડી. પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
પ્રતિમા પૂજન સમયે ગ્રામજનો દ્વારા બિરસા મુંડાના જયઘોષ ગૂંજતા રહ્યા. વિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા ધરતી આબાની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન વડીલો અને યુવાનો દ્વારા બિરસા મુંડાના જીવન સંઘર્ષ, બ્રિટિશ શાસન વિરુદ્ધની તેમની લડત અને આદિવાસી હકો માટેના તેમના યોગદાન અંગે સંક્ષિપ્ત ઉલ્લેખ કરવામાં આવ્યો.
આ પ્રસંગે મુકેશભાઈ પટેલે પોતાના સંદેશમાં જણાવ્યું કે, “ધરતી આબા બિરસા મુંડા માત્ર એક ઐતિહાસિક વ્યક્તિત્વ નથી, પરંતુ આદિવાસી સમાજના સ્વાભિમાન અને સંઘર્ષનું પ્રતિક છે. તેમની પૂજા કરવી એ આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને હકોનું સન્માન કરવાનો માર્ગ છે.”કાર્યક્રમમાં હાજર યુવાનો માટે આ પ્રસંગ પ્રેરણારૂપ બન્યો હતો. તેઓએ પોતાના ભવિષ્ય માટે શિક્ષણ, એકતા અને સમાજસેવાના માર્ગ પર આગળ વધવાની શપથ લીધી.
વિશ્વ આદિવાસી દિવસના આ પાવન દિવસે યોજાયેલ પ્રતિમા પૂજન માત્ર ધાર્મિક વિધિ પૂરતું નહોતું, પરંતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પસભર પ્રયાસ પણ હતો. ધરતી આબા બિરસા મુંડાની પ્રતિમાને નમન કરીને સૌએ સમાજના હકો, પરંપરા અને એકતાના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ કર્યો.