તાપી જિલ્લાના ડોલવણ-વાલોડ તાલુકાની સરહદે આવેલા કલકવા-ગોડધા ચૌધરી ફળિયામાં ભગવાન ક્રૃષ્ણ કનૈયાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગામના અગ્રણી ગુણવંત ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા ૪૦ વર્ષથી અમે કાનાની જન્માષ્ટમી ઉજવીએ છીએ. અમે સૌ એકતાની ભાવનાને અકબંધ રાખી હંમેશા સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો નિર્ધાર રાખીએ છીએ. સૌ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહનો માહોલ ઉંભો થાય છે. વર્ષો પહેલા લોકોના ઘરે જ ઉભા રહીને અખંડ ભજન કરતા હતા. શ્રાવણ માસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ગામે ગામ ઠેર-ઠેર સપ્તાહ ઉજવવામાં આવે છે. ગામના યુવાન-યુવતીઓ ભેગા મળીને કાનુડાની ભક્તિનાં રંગે રંગાઈ જાય છે.
આ વર્ષે અમે ૪૦મા જન્મોત્સવની ઉજવણી કરી. ગામલોકો યથાશક્તિ ફાળો એકત્ર કરી સહકાર આપે છે. અમારા ફળિયામાં નિલકંઠેશ્વરના મંદિરે અમે જન્માષ્ટમી ઉજવીએ છીએ. ધંધો-રોજગારી માટે બહાર ગયેલા તમામ લોકો જન્માષ્ટમીની ઉજવણી માટે અચૂક આવે છે. ગામના યુવક-યુવતીઓ પારંપારિક નૃત્ય, ગીત-સંગીત કલાને ઉજાગર કરે છે.
ગામડાઓમાં હજુ પારંપારિક સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. પ્રાચીન સમયના ગાયકોના લોકકંઠે સચવાયેલા ભજન-ગરબા ભક્તોને ડોલાવી કૃષ્ણ ભક્તિમાં લીન કરી દે છે. ગામડાના લોકોમાં સામાજીક એકતાના દર્શન થાય છે. દિવસ દરમિયાન ભજનો બાદ કાનુડાના પારણે ઝુલાવી ગોપ-ગોપીઓ આનંદિત બની પારંપારિક નૃત્ય કરે છે. બીજા દિવસે ભજનની રમઝટ સાથે કાનુડાની પાલખી યાત્રા ગામમાં ફરે છે. છેલ્લે મટકીફોડ કરી તમામ ગ્રામજનો દાતાઓ સહિત ગોપ-ગોપીઓનો આભાર વ્યક્ત કરે છે.