નવસારીના બીલીમોરા શહેરના સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં રાઈડ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. રાઈડ લગભગ 40 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ નીચે આવી રહી હતી ત્યારે અંદાજે 20 ફૂટની ઊંચાઈએથી તૂટી પડી હતી. રાઈડ તૂટવાની ઘટના મેળામાં હાજર લોકોના મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી. જેમાં રાઈડ તૂટવાના લાઈવ દ્રશ્યો પણ સામે હતા.
આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બે મહિલાઓ, અને બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઘટનામાં રાઈડનો ઓપરેટર નીચે દબાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. રાઈડ ઓપરેટરને તાત્કાલિક સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ રાઈડ દુર્ઘટનાની સઘન તપાસ શરૂ કરી છે. તપાસ બાદ રાઈડના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.