સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ‘સક્ષમ શાળા’ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા સક્ષમ શાળા’ કાર્યક્રમ એવોર્ડ સમારોહમાં જિલ્લાની ૧૫ શાળાઓને ‘સક્ષમ શાળા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના ઓનરશીપ કેટેગરીમાં “સક્ષમ શાળા” એવોર્ડ માટે પસંદ થયેલ શાળાઓને પ્રથમ ક્રમના પુરસ્કાર તરીકે રૂ. ૩૧,૦૦૦, દ્વિતીય ક્રમના પુરસ્કાર તરીકે રૂ. ૨૧,૦૦૦ અને તૃતીય ક્રમના પુરસ્કાર તરીકે રૂ. ૧૧,૦૦૦ આવપવામાં અવ્યો હતો. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર (ગ્રામ્ય)માં નિઝર તાલુકાની રૂમિકતાલાવ પ્રાથમિક શાળા, સોનગઢ તાલુકાની મોડેલ શાળા ડોસવાડા અને ઉત્તર બૂનિયાદી આશ્રમશાળા હિંદલા, તથા પ્રાથમિક (શહેરીમાં વ્યારા તાલુકાની આનંદ પ્રાથમિક શાળાએ ‘સક્ષમ શાળા’ એવોર્ડથી સન્માન મેળવ્યું હતું.
જયારે જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમમાં પ્રાથમિક (ગ્રામ્ય)માં ઉચ્છલ તાલુકાની હરીપુર પ્રાથમિક શાળા અને માધ્યમિક (ગ્રામ્ય)માં સોનગઢ તાલુકાની કાકડુકવા સરકારી માધ્યમિક શાળાએ મેળવ્યો છે. તૃતીય ક્રમમાં પ્રાથમિક (ગ્રામ્ય)માં નિઝર તાલુકાની રાયગઢ પ્રાથમિક શાળા અને માધ્યમિક (ગ્રામ્ય)માં ડોલવણ તાલુકાની જીવનજ્યોત હાઈસ્કૂલે સ્થાન મેળવ્યું હતું. તેમજ તાલુકા કક્ષાએ “સક્ષમ શાળા” એવોર્ડ ડોલવણ તાલુકાની પાથકવાડી પ્રાથમિક શાળા, કુકરર્મુંડા તાલુકાની રાજપુર પ્રાથમિક શાળા, નિઝર તાલુકાની રૂમિકતાલાવ પ્રાથમિક શાળા, સોનગઢ તાલુકાની ખારશી-૧ પ્રાથમિક શાળા, ઉચ્છલ તાલુકાની હરીપુર પ્રાથમિક શાળા, વાલોડ તાલુકાની પેલાડ બુહારી પ્રાથમિક શાળા તથા વ્યારા તાલુકાની ચિખલી પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમનો પુરસ્કાર મેળવ્યો હતો.
સમગ્ર જિલ્લામાં તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત બેઝલાઇન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં શાળાઓ દ્વારા આપવામાં આવેલી વિગતોની સી.આર.સી. અને બી.આર.સી સ્તરે ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા અને તાલુકા કક્ષાની ૪ સ્ટાર અને ૫ સ્ટાર રેટિંગ ઘરાવતી શાળાઓને કેટગરી મુજબ એવોર્ડ અને પ્રોત્સાહક ઈનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં શૈક્ષણિક તેમજ ભૌતિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ, સ્વચ્છતા, સારું વાતાવરણ અને તમામ આધુનિક સુવિધાઓ મળી રહે તેવો છે.