ડાંગ જિલ્લાના વઘઈમાં પોલીસ દમન સામે આદિવાસી સમાજની આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ દ્વારા વઘઇ ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ સઘર્ષ સમિતી પ્રમુખ બારકું ભાઇ અને સમિતિના સભ્યો અને સામાજિક આગેવાનો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા ધરમપુરમાં તાપી રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ડાંગથી રેલીમાં સામેલ થવા જતા લોકોને વઘઇ પોલીસ દ્વારા અને ડાંગ પોલીસ દ્વારા નાકાબંધી કરી રોકી દેવામાં આવ્યા હતા. અને ડીટેઇન કરી લેવામાં આવ્યા હતા. જેને લઇ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ધરમપુર ખાતે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં પોલીસ દમનના વિરોધમાં વઘઇ ખાતે રેલી કાઢી વિરોધ કરવામાં આવશે. જેને લઇ બુધવારે મોટી સંખ્યામાં લોકો સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો હતા. ખાસ કરીને આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનારા અધિકારીઓને આદિવાસી વિસ્તારમાંથી બદલી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.