તાપીના ઉકાઇમાં કેવડા તીજ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. હરિતાલિકા તીજ તહેવાર હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. “હરિતાલિકા” શબ્દનો અર્થ થાય છે. હરિત (અપહરણ) અને આલિકા (સખી) માન્યતા અનુસાર માતા પાર્વતીની સખીએ તેમનું અપહરણ કરીને તેમને જંગલમાં લઇ જઇ ભગવાન શિવની આરાધના કરવા પ્રેરિત કર્યું હતું.
ત્યારબાદ માતા પાર્વતીને ભગવાન શિવ પતિરૂપે પ્રાપ્ત થયા હતા. આ દિવસે સ્ત્રીઓ નિર્જળ વ્રત રાખે છે અને માતા પાર્વતી-શિવજીની પૂજા કરે છે. તેઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરે છે. કુમારી કન્યાઓ પણ આ વ્રત કરે છે જેથી તેમને યોગ્ય પતિ પ્રાપ્ત થાય.આ તહેવાર આપણને દાંપત્યજીવનની પવિત્રતા, ભક્તિ અને સંસ્કારનો સંદેશ આપે છે. તે માત્ર ધાર્મિક જ નહીં, પણ સાંસ્કૃતિક રીતે પણ સ્ત્રીઓના જીવનમાં આનંદ અને ઉત્સાહ ભરી દે છે.