૨૯ ઑગસ્ટ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિતે તાપી જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિનિયર સિટીઝન ક્લબ, સ.ગો. હાઈસ્કુલ વાલોડ તથા જિલ્લાના વિવિધ શાળાઓ-કોલેજોમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓ યોજાઈ હતી. જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગ તથા નગરપાલિકા વ્યારાના બાંધકામ સમિતિના ચેરમેન મૃણાલભાઈ જોષી જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડી રમતક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કલેકટરના હસ્તે પ્રથમ ખો ખો વર્લ્ડ કપ પ્રિ-નેશનલ કેમ્પમાં પસંદ થયેલી તાપીની ખેલાડી કુ. પ્રિયા ચૌધરી સહિત જિલ્લાના વિવિધ રમતવીરોને સન્માન કરવામાં આવ્યા હતા. જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કાર્યક્રમમાં તાપી જિલ્લાના પેરા એથલેટ્સે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે હોકી, કુસ્તી, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી, પ્લેન્ક ચેલેન્જ, દોરડા કૂદ, કેરમ તથા સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત ૭૮૦ જેટલા રમતપ્રેમીઓએ આ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.