ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભલે વિકાસની મોટી-મોટી વાતો કરતી હોય પરંતુ આદિવાસી વિસ્તારમાં હજુ પણ વિકાસ નથી થયો. તેનું ઉત્તમ ઉદાહરણ શુક્રવારે જોવા મળ્યું. કારણ કે ઉકાઈ જુથગ્રામ પંચાયતમાં આવતું પાથરડા ગામના રહેવાસી નિલેશ વસંજીભાઈ કોટવાળિયાનું શુક્રવારના દિવસે માંદગીના કારણે અવસાન થયું હતું. જેમની અંતિમ ક્રિયા કરવા માટે આદિમ જૂથના કબ્રસ્તાન પર લઈ જતી વખતે ભારે સંધર્ષ અને મુશ્કેલી વેઠવાનો વારો સ્થાનિકોને આવ્યો હતો. અંહી પીપળા નદી પર વર્ષોથી પુલનો અભાવ હોવાથી અને કબ્રસ્તાન નદીની પેલી પાર હોવાથી અંતિમ ક્રિયા કરવા માટે ખૂબ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.
કબ્રસ્તાન સુધી પહોંચવામાં ભારે હાલાકી:-
પરિવારના સભ્ય અને સ્થાનિક લોકો મૃતદેહને લાકડા પર દોરડાથી બાંધી નદીના ધસમસતા પાણીમાંથી પસાર કરીને લઈ જવા માટે મજબૂર બન્યા હતા. આ ઉપરાંત વિધિ કરવા માટે આવેલા સમાજના વડીલને પણ લાકડાનો સાહરો આપી નદી પાર કરાવા સ્થાનિક મજબૂર બન્યા હતા. પાથરડા ગામના લોકોને ચોમાસાની સીઝનમાં દર વર્ષે આ તકલીફ પડતી હોય છે. તે છતાં ઉકાઉ જુથગ્રામ પંચાયતના સરપંચને પીપળી નદી પર પુલ બનાવામાં રોષ ના હોય તેમ આ ઘટના પરથી લાગી રહ્યું છે.
157-માંડવી વિધાનસભા મત વિસ્તાર:-
આ ઉપરાંત 157-માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રીનો આ મત વિસ્તાર હોવા છતાં અંહી અંતિમ ક્રિયા જેવા પ્રસંગે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. સ્થાનિક લોકોની માંગ છે કે, સરકાર તાત્કાલિક ધોરણે અંહી પુલનું નિર્માણ કાર્ય કરે જેથી લોકોને તકલીફ વેઠવાનો વારો ના આવે.