સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સોનગઢ સર્કિટ હાઉસથી સેવા સદન સુધી યોજવામાં આવી હતી. રેલીમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામીતના અધ્યક્ષ સ્થાને તેમજ હાઇડ્રો પ્રોજેક્ટ સઘર્ષ સમિતિની આગેવાનીમાં યોજવામાં આવી હતી. થોડા સમય પહેલા સાતકાશી ગામ પાસે હાઈડ્રો પંપ સ્ટોરેજ યોજના માટે જમીનના સર્વે અને માપણી કરવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા. તેનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરતા પોલીસતંત્ર દ્વારા એક્સપાયરી ડેટવાળા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. તેના વિરોધમાં મંગળવારે સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
“આદિવાસી જનઆક્રોશ રેલીમાં ધારાસભ્ય અનંત પટેલે કુંવરજી હળપતિ પર પ્રહાર કરતા કહ્યું કે, કુંવરજીભાઈ મને નથી લાગતું આપણો મંત્રી છે. મને તો એ પણ નથી લાગતું કે, કુવરજીભાઈ આદિવાસી છે કેમ ? કારણ કે, આદિવાસી સમાજની જમીન લૂંટાઈ જતી હોય, આદિવાસી સમાજનું જંગલ લૂટાઈ જતું હોય, ત્યારે આપણો મંત્રી એસી ઓફિસમાં બેસી રહે તેવા મંત્રીની અમને જરૂર નથી તેમ કહી મંત્રી કુવરજી પર ધારધાર શાબ્દિક પ્રહારો કર્યાં હતા. અનંત પટેલે મધ્યાહન ભોજન યોજના વિશે વાત કરતા કહ્યું કે, મધ્યાહન ભોજનમાં નોકરી કરતી બહેનોની નોકરી લેવાની વાત ચાલે છે. પરંતુ બહેનો તમારે ગભરાવાની જરૂર નથી. અમે તમારી સાથે છીએ” કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ
“આ જંગલ તો કાલે પણ અમારું હતું. આજે પણ અમારું છે અને પછી પણ અમારું જ રહેશે. કાયમ માટે આદિવાસી સમાજે વિસ્થાપિત થયા કરવાનું પાર તાપી લિંક હોય, ભારતમાલા પ્રોજેક્ટ, નેશનલ 56ના નામે વિસ્થાપિત કરવાનું, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે વિસ્થાપિત કરવાનું અને હવે પાવર પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવાની વાત કરે છે. પરંતુ હું કહેવા માંગુ છુ શાનમાં સમજી જજો. અમે તીરકાંમઠા અને ભાલા અમારા ઘરમાં શો માટે નથી મૂકી રાખ્યાં. જ્યારે જરૂર પડશે ત્યારે અમે તેનો પણ ઉપયોગ કરીશું”.. કલ્પેશ પટેલે
“આદિવાસી સમાજ પર ભાજપ સરકાર વારંવાર અત્યાચાર કરે છે તે યોગ્ય બાબત નથી. સાતકાશી ગામે એક્સપાયરી ડેટવાળા ટીયરગેસ છોડીને આદિવાસી સમાજને ડરાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હું તંત્રને કહેવા માંગુ છુ કે, તમે લોકો તોપ લઈને આવશે તો પણ આદિવાસી સમાજ ડરવાનો નથી”.. યુસુફ ગામીત