સોનગઢ શહેર તેમજ આજુબાજુના ગામોમાં ગણેશોત્સવના દસ દિવસ બાદ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિકો ગણપતિ બાપ્પાના મોરચામાં જોડાય હતા. ગણપતિ બાપ્પા મોરિયા ના જયઘોષથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. વિસર્જન દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.
વિસર્જન યાત્રા દરમિયાન માત્ર ભક્તિભાવ અને આનંદ જ નહીં, પરંતુ અન્ય ધર્મના લોકોને પણ સન્માન અપાય તે અત્યંત જરૂરી છે.
ગામમાં વિવિધ ધર્મના લોકો સાથે-સાથે રહે છે. તેથી કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તે પોલીસ તથા આયોજકો બંનેની જવાબદારી બની રહે છે. મોરચાના માર્ગ પર જો અન્ય ધર્મના કે અન્ય ધાર્મિક સ્થળ આવે તો ત્યાં શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં આવે છે.
પોલીસ તંત્ર તરફથી વાહન વ્યવહારનું નિયંત્રણ, અને સમયસર પોલીસની હાજરી તેમજ બંદોબસ્ત કરવામાં આવે છે.
સાથે જ યુવા મંડળો અને સ્વયંસેવકો પણ પોલીસને સહકાર આપે છે. જેથી વિસર્જન વિઘ્નવિના અને સૌહાર્દપૂર્ણ રીતે પૂર્ણ થાય. આ રીતે ગણપતિ વિસર્જન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સૌહાર્દનો પણ સંદેશ આપે છે. પોલીસ અને નાગરિકો બંનેના સંયુક્ત પ્રયાસોથી ઉત્સવ આનંદમય અને શાંતિપૂર્ણ બની રહે છે.