તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલદાના યુવા સરપંચ રીપીનભાઈ ગામીતે ડિજિટલ યુગમાં વિકાસની નવી રાહ ચીંધી છે. તેઓએ વિવિધ સરકારી યોજનાઓની માહિતીને લોકો સુધી પહોંચાડવા ઇન્સ્ટાગ્રામ રીલ્સનો અસરકારક રીતે ઉપયોગ કરી લોકોના જીવનમાં રીયલ બદલાવ લાવી રહ્યા છે. તેઓએ માત્ર ૭૦ જ દિવસમાં ૨૦ જેટલા ટૂંકા વિડીયો એટલે કે રીલ્સ અપલોડ કરી ૧૧.૫૦ લાખ લોકો સુધી પહોંચ્યા છે.
માઈક કે મંચ કરતા ઇન્સ્ટાગ્રામ વધુ શક્તિશાળી :- રીપીન ગામીત
રીપીનભાઈ કહે છે કે મારા માટે માઈક કે મંચ કરતા ઇન્સ્ટાગ્રામ વધુ શક્તિશાળી સાબિત થયું છે. સરપંચ બન્યા પછી લોકો વિવિધ યોજનાઓની માહિતી માટે સતત પૃચ્છા કરતાં, જેમાંથી માહિતી આપતા વિડીયો બનાવવાની પ્રેરણા મળી. મારા પહેલા વીડિયોને ૨૦ હજાર જેટલા વ્યૂ મળતા વધુ વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું. આજે મારા એક ડઝનથી વધારે વિડીયો ૪૦ હજાર વ્યૂ ધરાવે છે અને લગભગ દરેક વિડિયોને સરેરાશ ૨૫ થી ૩૦ હજાર જેટલા વ્યુઝ મળે છે. મારી રીલ્સ જોઈને સંપર્કમાં આવેલા ૧૨૫ થી વધુ લોકોને લાભ પણ અપાવ્યા છે. આજે ફક્ત આજુબાજુના જિલ્લામાંથી જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી લોકો વધુ જાણકારી માટે ડીએમ્સ મોકલે છે અને સમયસર રીપ્લાય આપી બધાને માર્ગદર્શન આપું છું.
રીપીનભાઈની રીલ્સ જોઈને દિવ્યાંગ સહાય યોજનાની માહિતી મળી:- મયંક ગામીત
સોનગઢના બોરકૂવાના દિવ્યાંગ અરજદાર મયંક ગામીત જણાવે છે કે રીપીનભાઈની રીલ્સ જોઈને ઇન્સ્ટગ્રામમાં તેઓનો સંપર્ક કર્યો હતો. તેઓએ દિવ્યાંગ સહાય યોજનાની માહિતી આપી. તેઓની મદદ માંગતા તેઓ સેવા સદન મારી સાથે આવ્યા અને અરજી કરવામાં મદદ કરી હતી.વધુમાં રીપીનભાઈ જણાવે છે કે મારો હેતુ ફક્ત ગામલોકોને સરકારી યોજનાઓ સરળ ભાષામાં સમજાવવાનો હતો. જો મારા વીડિયો જોઈને કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળે કે કોઈ ખેડૂતને સહાયની માહિતી મળે, તો દરેક વ્યૂઝની કિંમત વસૂલ છે. જો કે, અત્યાર સુધીમાં તેઓએ ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ લગ્ન સહાય, ખેડુતો માટેની યોજના, કુંવરબાઇ મામેંરુ,વ્હાલી દીકરી યોજના, ફ્રી શીપ કાર્ડ,વ્યક્તિગત આવાસ યોજના સહિત ૨૦ જેટલી યોજનાઓની માહિતીસભર રિલ્સ બનાવી અપલોડ કરી છે.
અત્યાર સુધીમાં ૨૦ જેટલી યોજનાઓની માહિતીસભર રિલ્સ અપલોડ કરી
રીપીનભાઈની સૌથી વધુ વાઈરલ થયેલી રીલ્સની વાત કરીએ તો, આવાસ યોજનાની રીલને ૨.૮૫ લાખ, બાજપાઈ બેન્કેબલ યોજનાની રીલને ૧.૭૬ લાખ અને વ્યક્તિગત આવાસ યોજનાની રીલને ૧.૩૮ લાખ એમ ત્રણેય રીલ્સ કુલ અંદાજે ૬ લાખથી વધુ લોકો સુધી પહોંચી છે. રીપીનભાઈના આ નવતર પ્રયોગથી ગ્રામજનો રીલ સરપંચ તરીકે ઓળખવા લાગ્યા છે. આમ તો, તેઓ રીલ સરપંચ નહીં પણ રિયલ સરપંચ છે. રીપીનભાઈને ઈન્સ્ટાગ્રામના @ripin_g એકાઉન્ટ પર ફોલો કરી શકાય છે.