ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૪ સપ્ટેમ્બરે બપોરે ૨ થી ૫ દરમિયાન તાપી જિલ્લાના ૨૩ કેન્દ્રોના ૨૬૦ વર્ગખંડોમાં રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે.જેમાં કુલ ૭૭૮૭ ઉમેદવારો પરીક્ષા આપશે. જેના આયોજન માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા દરમિયાન વિશેષરૂપે, દરેક પરીક્ષા કેન્દ્રોનું સતત લાઈવ મોનિટરિંગ કરવાનું આયોજન કરવામાં આવનાર છે, જેથી પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાઈ શકે તે અંગે બેઠકમાં વિગતે ચર્ચા કરાઇ હતી.
બેઠકમાં તમામ મંડળના પ્રતિનિધિઓ, કેન્દ્ર નિયામકો તથા વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓને પોતાની સોંપાયેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી આવશ્યક છે. તેમણે ખાસ સૂચના આપી હતી કે પરીક્ષા દરમ્યાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે સતર્ક રહેવા અંગે સુચનો કરાયા હતા.
બેઠકમાં પરીક્ષા દરમ્યાન જરૂરી સુવિધાઓ અંગે પણ સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે,સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે તાત્કાલિક વ્યવસ્થા,દરેક કેન્દ્ર પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રાખવી,પોલીસ બંદોબસ્ત ,ટ્રાફિક નિયમન,પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા,તથા પરીક્ષા દરમ્યાન કોઈપણ પ્રકારની અનધિકૃત સામગ્રી કેન્દ્રમાં પ્રવેશ ન કરે તે અંગે કડક ચકાસણી કરવા અંગે સુચનો કર્યા હતા. તેમજ તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ બેઠક વ્યવસ્થા સહિતની તમામ સુવિધાઓની પૂર્વ તૈયારી તથા ચકાસણી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.બેઠક દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પી.પી.ટી. મારફતે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર આર.આર.બોરડ,નાયબ કલેકટર-૧ નિશાંત કુશાગિયા સહિત પરીક્ષા કામગીરી સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.