દક્ષિણ ગુજરાતના પૂર્વિય પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા તાપી જિલ્લામા પડેલા અનરાધાર વરસાદને કારણે માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગોને થયેલુ નુકશાન પૂર્વવત કરવા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદે વિરામ લેતા જ નુકશાન પામેલા માર્ગોની સુધારણાના કાર્યો તાબડતોબ હાથ ધરાયા છે.
મોન્સુન બાદ હાથ ધરાયેલા માર્ગ સુધારણાના આ કાર્યનો પ્રારંભ જિલ્લાના છેવાડાના કુકરમુંડાના વિસ્તારના માર્ગોથી કરવામા આવ્યો છે. અહીં ડામર પેચવર્ક સાથે માર્ગની સરફેસ દુરસ્ત કરી તેને રાહદારીઓ અને વાહન ચાલકો માટે સુગમ્ય બનાવવામા આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તમામ ક્ષતિગ્રસ્ત માર્ગોના મરામતની આપેલી સૂચના બાદ તાપી જિલ્લાના સ્ટેટ વિભાગ હસ્તક માર્ગો ઉપર ડામર પેચવર્કની કામગીરીનો આરંભ કરી દેવામા આવ્યો છે. આગામી દિવસોમા પણ સ્ટેટ માર્ગ અને મકાન હસ્તકના તમામ માર્ગોનુ દુરસ્તી કાર્ય જારી રહેશે તેમ કાર્યપાલક ઈજનેર મનોજ પટેલે જણાવ્યુ છે.