તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અંતરિયાળ ખુરદી ગામના પ્રાકૃતિક ખેડૂત રમેશભાઈ દિવાનજીભાઈ ગામીત ડાંગરની ખેતી કરીને તાપી જિલ્લાના ધરતીપૂત્રો માટે માર્ગદર્શક બન્યા છે. રમેશભાઈએ પ્રાકૃતિક ખેતીના ઉત્સાહભેર ફાયદા જણાવતા કહ્યું હતું કે આજે રાસાયણિક ખાતર-દવાઓના વપરાશથી રોગોનું પ્રમાણ વધ્યુ છે ત્યારે આપણે સૌ ધરતીપૂત્રોએ પ્રાકૃતિક ખેતી અપનાવી માનવજીવન તંદુરસ્ત બનાવવાની પહેલ કરવી જોઈએ. દેશના વડાપ્રધાનનું આહવાન પ્રાકૃતિક ખેતી છે તેમજ આપણાં રાજ્યપાલ પણ અવાર-નવાર વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને લોકોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરે છે. જે ખરેખર સરાહનીય છે. ત્યારે તમામ ખેડૂતોએ તેમના જનઅભિયાનને વધાવીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ.
ખુરદી ગામમાં રમેશભાઈએ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી એવી ગીર ગાયનો ઉછેર કર્યો છે. વળી જીવામૃત તૈયાર કરીને પાકમાં નાંખવાનું શરૂ કર્યું છે. આ વર્ષે વરસાદ વધુ હોવાથી તેમને નુકશાનની ભીતિ હતી છતા પોતાની એકાદ વિંઘા જમીનમાં ૨૪૨૯ નામની જાતના ડાંગરની પ્રાકૃતિક ખેતી કરી આજે ખુશખુશહાલ થઈ મઝાની વાત એ કરી કે આટલા વરસાદમાં પણ ડાંગરનો પાક સારો થયો છે. કેમ કે એ પ્રાકૃતિક ખેતી હતી.
રમેશભાઈએ તાપીના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે જિલ્લાના આત્મા તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા તેઓને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હવે તેઓ ૪૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે તાલીમ આપશે અને તાપી જિલ્લો ખેતીમાં પણ આગવુ સ્થાન પ્રાપ્ત કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.