આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય વસાવા સાથે થયેલી ઝપાઝપી બાબતે ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી સંજય વસાવાની FIRના આધારે ચૈતર વસાવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કર્યાં બાદ, લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પુછપરછ માટે લાવવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લાના લોકોને શાંતિ રાખવા પોલીસની અપીલ:-
ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ સમગ્ર આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લા પોલીસે નર્મદા જિલ્લાના લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. પોલીસે શાંતિ રાખવા માટે અપીલ કરી હોવા છતાં LCB ઓફીસની બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાવડો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે. નર્મદા પોલીસે SRPની એક ટુકડીને રાજપીપળા LCB ઓફિસ પાસે રાખી હોવાની માહિતી પણ મળી રહી છે. ડેડીયાપાડામાં SRPની એક ટુકડી તૈનાત રાખવામાં આવી છે. ખાસ કરીને ચૈતર વસાવાની ધરપકડ બાદ નર્મદા જિલ્લામાં કોઈપણ જાતની માથાકૂટ ન થાય તે માટે પોલીસ અને SRPની ટીમ તૈનાત કરવામાં આવી છે.