તાપી જિલ્લામાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના 2025-26 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની કામગીરીની સમીક્ષા માટે બેઠક જિલ્લા પ્રભારી તેમજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. બેઠકમાં મંત્રી મુકેશ પટેલે ન્યુ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૫-૨૬ હેઠળના તાપી જિલ્લાના સાત તાલુકાઓ માટે કુલ રૂપિયા ૭,૭૮૯.૬૬ લાખના ૧,૨૧૮ કામોને મંજૂરી આપી હતી. આ કામો આદિજાતિ વિસ્તારોમાં જીવનમુલ્ય સુધારવા, આધુનિક સવલતો ઉપલબ્ધ કરાવવા અને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે અમલમાં મુકાયા છે.
બેઠકમાં પ્રભારી મુકેશ પટેલે ન્યુ ગુજરાત પેટર્ન યોજના-વર્ષ ૨૦૨૪-૨૫ની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપી ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૪-૨૫ અંતર્ગત મંજુર થયેલા કામોની પ્રગતિ તેમજ બાકી સીસી અને યુટીસીની સમીક્ષા કરતા પ્રભારીએ બાકી રહેલા તમામ કામો તાત્કાલિક પૂર્ણ થાય તે માટે જરૂરી પગલાં લેવામાં સુચનો કર્યા હતા. તેમજ અધિકારીઓને કાર્યક્ષમતા, જવાબદારી અને પારદર્શિતા જાળવવા તેમજ લાભાર્થીઓ સુધી યોજનાના લાભ અસરકારક રીતે પહોંચે તે માટે સૂચનાઓ આપી હતી. વધુમાં અમલીકરણ અધિકારીઓને કોઈ પણ યોજના કે લાભાર્થીઓનું ડુપ્લિકેશન ન થાય તેમજ આયોજનમાં લેવાયેલા કામો કે લાભાર્થીઓમાં કોઇ ફેરબદલ ન થાય તે માટે ખાસ અધિકારીઓને સૂચના આપી હતી.
આયોજન મુજબ પાણીની સુવિધા,વીજળી માટે નવી દરખાસ્ત રજુ કરવી, સખીમંડળની બહેનોને આજીવિકાને લગતી તાલીમ આપવા તેમજ બહેનોને પ્રાકૃતિક ખેતી સાથે જોડી તેમને જિવામૃત બનાવી અન્ય ખેડુતોને વેચાણ કરે તે માટે પ્રોત્સાહન પુરું પાડવા, આંગણવાડીને લગતા બાંધકામો, મધ્યાહન ભોજનના શેડને લગતા કામો, શિક્ષણ માટે ભૌતિક સુવિધાઓનો વધારો કરવા, ખેડૂતોને સરળતાથી લાભ મળી રહે તે અંગેનું આયોજન કરવા સુચના આપી હતી.
જિલ્લા તાલુકા કે ગ્રામ્ય કક્ષાએ થતા વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કે નાના મોટા શુભારંભ કાર્યક્રમ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓને જાણ કરી તેમને હાજર રાખવા સુચન કર્યુ હતું.સમગ્ર બેઠકનું સંચાલન કરતા પ્રાયોજના વહિવટદારએ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ન્યુ ગુજરાત પેટર્નની જોગવાઈ હેઠળ રસ્તા, શિક્ષણ, પાણી પુરવઠો, સિંચાઈ, કૃષિ અને પશુપાલન, વીજળી, સામુહિક આરોગ્ય તથા અન્ય વિકાસના કામો, રોજગાર, પોષણ, આરોગ્ય, ભૂમિ સંરક્ષણ, પંચાયત, ડેરી વ્યવસાય, મહિલા કલ્યાણ, જળ સરંક્ષણ, વન વિકાસ, ગ્રામ્ય માર્ગો, સ્થાનિક વિકાસના કામો અને પ્રવાસન ક્ષેત્રના કામોની વિગતો આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્ય મોહન કોંકણી, ધારાસભ્ય ડૉ.જયરામ ગામીત સહિત તાલુકા પ્રમુખઓ, પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલીયા, નાયબ વનસંરક્ષ સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર આર,આર.બોરડ, સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, જુદી જુદી કચેરીઓના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહ્યા હતા.