રિપોર્ટર- નયનેશ દેસાઈ
સુબિર: ગાંવદહાડ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંવદહાડ ગામના રહેવાસી ગના કાળુભાઈ હિલીમ પોતાના ઢોર ચરાવવા માટે ગામની સીમ વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન પાણી ભરાયેલા સ્થળ નજીક તેમનો અચાનક પગ લપસી ગયો હતો. પગ લપસતાં તેઓ ઊંડા પાણીમાં પડી ગયા અને ડૂબી જવાથી તેમનું કરૂણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ ગનાભાઈને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અચાનક બનેલી ઘટનાથી ગાંવદહાડ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામના લોકો અને સગા-સંબંધીઓએ મૃતકને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.



