તાપી જિલ્લામાં એસ્પિરેશનલ બ્લોક કાર્યક્રમ અંતર્ગત નિઝર તથા કુકરમુંડા બ્લોક માટે આકાંક્ષી હાટ કાર્યક્રમનું સંયુંક્ત આયોજન એપીએમસી નિઝર ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી ૨ ઓગષ્ટ સુધી ચાલશે. જેમાં સરકારી યોજનાઓની માહિતી, નિદાન તથા સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આયોજન અંતર્ગત જિલ્લાના વિવિધ સરકારી વિભાગો, સખીમંડળો, અને અન્ય સહયોગી સંસ્થાઓના સ્ટોલો ગોઠવવામાં આવ્યા છે, જ્યાં જનહિતના કાર્યો તેમજ માહિતીપ્રદ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
મુખ્યત્વે આ કાર્યક્રમ હેઠળ ‘લોકલ ફોર વોકલ’ અભિગમને વેગ આપવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓના વેચાણ અને પ્રમોશન માટે વિશિષ્ટ સ્ટોલો સ્થાપવામાં આવ્યા છે. ગ્રાહકો માટે આ એક શ્રેષ્ઠ તક છે કે તેઓ સ્થાનિક ઉત્પાદકોને ટેકો આપી શકે અને ઊત્પાદિત સામગ્રીનો ઉપયોગ કરી દેશને આત્મનિર્ભર બનાવવના પ્રયાસમાં સહભાગી બની શકે.