તાપી જિલ્લાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વ્યારા દ્વારા ૧ ઓગષ્ટ ૨૦૨૫ના રોજ ધોરણ ૧થી ૫ના (ગુજરાતી માધ્યમ) વિદ્યાસહાયકો માટે નિમણુંક પત્રો એનાયત કરવાનો વિશેષ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા અને વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી વિશેષ ઉપસ્થિત રહી તાપી જિલ્લાના વિવિધ પ્રાથમિક શાળાઓ માટે ૩૭ જેટલા પંસદગી પામેલા નવનિયુક્ત વિદ્યાસહાયકોને નિમણુંક પત્રો એનાયત કર્યા હતા.
આ અવસરે ધારાસભ્ય મોહન કોકણીએ નવનિયુક્ત શિક્ષકોને શાળા અને બાળકોના ભવિષ્ય ઘડતર માટે મહત્વની ભૂમિકા નિભાવાની શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી શિક્ષકોને સમાજનું ભવિષ્ય ઘડવાનું પવિત્ર કાર્ય નિષ્ઠાપૂર્વક કરવા આહ્વાન કર્યું હતું.જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઋષિભાઈ ગામીત ઉપસ્થિત રહી ન શકતા નવનિયુક્ત વિદ્યાસહાયકોને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વર્ષાબેન વસાવા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ, કેળવણી નિરીક્ષકો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.