ઘરેલું LPG સિલિન્ડર વાપરતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 1 ઓક્ટોબર 2026થી સબસિડીવાળા ઘરેલુ LPG રિફિલ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સબસિડી સાથે નિયંત્રિત રિટેલ વેચાણ કિંમત એટલે કે RSP પર LPG સિલિન્ડરનું બુકિંગ કરવા માટે ગ્રાહકનું બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ થયેલું હોવું જરૂરી રહેશે.
સરકારના જણાવ્યા પ્રમાણે, 19 સપ્ટેમ્બર 2026 સુધી 27.43 કરોડ એટલે કે 89.9 ટકા સક્રિય ઘરેલુ LPG ગ્રાહકોએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરી લીધું છે. જે ગ્રાહકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી છે, તેમને ફરીથી ઓથેન્ટિકેશન કરાવવાની જરૂર રહેશે નહીં અને તેમનું LPG રિફિલ બુકિંગ અગાઉની જેમ ચાલુ રહેશે.
જોકે, જે ગ્રાહકોએ હજુ સુધી બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન કરાવ્યું નથી, તેમના માટે મહત્વની બાબત એ છે કે ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યા બાદ જ સબસિડી સાથેના નિયમિત ભાવ પર રિફિલ બુકિંગ સક્ષમ થશે. એટલે સબસિડીનો લાભ મેળવવા માટે ગ્રાહકોએ 1 ઓક્ટોબર પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
ગ્રાહકો માટે ઓથેન્ટિકેશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. LPG સિલિન્ડરની ડિલિવરી વખતે ડિલિવરી કર્મચારીની મદદથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી શકાય છે. આ ઉપરાંત LPG ડિસ્ટ્રિબ્યુટરના શોરૂમ પર જઈને પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. ગ્રાહકો પોતાની સંબંધિત ઓઇલ માર્કેટિંગ કંપનીની મોબાઇલ એપ્લિકેશન મારફતે ઘરે બેઠા પણ ઓથેન્ટિકેશન કરી શકે છે. ઇન્ડેન માટે IndianOil ONE, ભારતગેસ માટે HelloBPCL અને HP ગેસ માટે HP PAY એપનો ઉપયોગ કરી શકાય છે.
સરકારના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થાનો હેતુ સબસિડીનો લાભ માત્ર વાસ્તવિક અને પાત્ર ઘરેલુ ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે. સાથે જ ડુપ્લિકેટ અને અયોગ્ય LPG કનેક્શન દૂર કરવા તથા ઘરેલુ LPG સિલિન્ડરના કમર્શિયલ અને ઔદ્યોગિક ઉપયોગ તરફ થતા ડાયવર્ઝનને અટકાવવાનો પણ હેતુ છે.
સપ્ટેમ્બર 2026માં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડર પર અંદાજે ₹210ની પરોક્ષ સબસિડી હોવાનું પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે. તેથી સબસિડી મેળવતા ગ્રાહકો માટે આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સમયસર પૂર્ણ કરવું મહત્વપૂર્ણ બની રહેશે.

