કોંગ્રેસના લડાયક અને યુવા ધારાસભ્ય અનંત પટેલ ગમે તે ઘડીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી રાજકીય આગાહી ભાજપના સાંસદ ધવલ પટેલે કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે અનંત પટેલે આ સમગ્ર બાબતને રાજકીય અફવા ગણાવી છે. આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા ફેવરીટ નેતા માનવામાં આવે છે. સમાજનો કોઈપણ મુદ્દો હોય કે સમસ્યા હોય આ બંને નેતાઓની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ બધાં વચ્ચે ભાજપના સાંસદ ધવલે પટેલે એવી આગાહી કરી છે કે, ચૈતર વસાવા કોંગ્રેસના સભ્યોને જ આપામાં ખેંચી રહ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા વચ્ચે રાજકીય સાંઠગાંઠ છે. કોઈ પણ મુદ્દે બંને એકબીજાને સમર્થન આપી રહ્યા છે. સાથે લોકોને ગુમરાહ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં અનંત પટેલ કોંગ્રેસ છોડી આપામાં જોડાઈ શકે છે. આ તરફ, ધારાસભ્ય અનંત પટેલનું કહેવું છે કે, ભાજપ સરકાર સામે આક્રમકતા સાથે લડતાં આદિવાસી ધારાસભ્યોને સાંસદ ધવલ પટેલ બદનામ કરી રહ્યા છે. ધવલ પટેલને ચૈતર વસાવા અને અનંત પટેલ બનવું છે. પરંતુ ધવલ પટેલની સભામાં ચકલું ય ફરકતું નથી. જ્યારે અમારી રેલી-વિરોધ પ્રદર્શનમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ બધું જોઈને ભાજપને પેટમાં દુખે છે. આ કારણોસર ભાજપના સાંસદ બોખલાઈ ગયાં છે. અને ખોટા આરોપ મૂકીને રાજકીય માહોલ ઉભો કરી રહ્યા છે.

