મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને ‘મહાયુતિ’ ગઠબંધને પ્રચંડ વિજય મેળવી નવો ઇતિહાસ રચ્યો છે. દેશની સૌથી ધનિક એવી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલીવાર ભાજપનો મેયર ચૂંટાવા જઈ રહ્યો છે. આ જીત બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની જનતાનો આભાર માનતા જણાવ્યું કે હવે રાજ્યના 25થી વધુ શહેરોમાં ભાજપ અને મહાયુતિના મેયર હશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસના વિઝન’ પર જનતાની મહોર ગણાવી હતી. તેમણે કહ્યું, “પરિણામો સ્પષ્ટ કરે છે કે મહારાષ્ટ્રને પીએમ મોદીમાં અપાર વિશ્વાસ છે.
અમારો ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે.” ફડણવીસે ઉમેર્યું કે ભાજપ માટે હિન્દુત્વ અને વિકાસ અલગ નથી, અને હિન્દુત્વના વ્યાપક પ્રચારને કારણે જ આટલું મોટું જનસમર્થન મળ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ દશકો જૂના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. મુંબઈના કુલ 227 વોર્ડમાં ‘મહાયુતિ’ અને વિપક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ લાગે છે કે શિંદેએ કોર મરાઠી વોટર્સને પોતાનાથી દૂર થવા દીધા નથી. ઉદ્ધવ અને રાજ ઠાકરેની જુગલબંધી અને તેમના મરાઠી કાર્ડ છતાં તે આ સમુદાયને પોતાની સાથે જોડવામાં કામિયાબ રહ્યા છે. ખાસ કરીને થાણેમાં સારી પકડ ધરાવતા શિંદેનો મુંબઈના ઘણાં વિસ્તારોમાં સારો પ્રભાવ માનવામાં આવે છે.


