રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર
છોટાઉદેપુરના બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા શાકભાજીના જથ્થાની આડમાં લઈ જવાતો રૂપિયા ૪૨.૮૩ લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ અને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક આઈ.જી.શેખની સૂચના હેઠળ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન, બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર વિ.એસ.ગાવિતને મળેલી ચોક્કસ બાતમીના આધારે મેરીયા પુલ પાસે ગોઠવાયેલી નાકાબંધી દરમિયાન, મધ્યપ્રદેશથી વડોદરા તરફ જતી એક સફેદ કલરની ટાટા અલ્ટ્રા ટ્રક નંબર: HP-93-A-8193ને રોકી તપાસ કરવામાં આવી હતી.
જેમાં ટ્રકમાં ઉપરના ભાગે કોબીજ અને અન્ય શાકભાજી ભરેલી હતી, પરંતુ તેની નીચે છુપાવેલા ખાખી કલરના ૨૩૯ પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે આ દરોડા દરમિયાન વિદેશી દારૂની બોટલો અને ટીન બિયર: ૬,૩૮૮ નંગ જેની કિંમત રૂ. ૧૭,૧૩,૯૬૦, ટાટા અલ્ટ્રા ટ્રકની કિંમત રૂ. ૨૫,૦૦,૦૦૦,રોકડ રકમ રૂપિયા ૪૨,૫૦૦, મોબાઇલ ફોન: ૨ નંગ જેની કિંમત ૫,૦૦૦ હજાર છે. જ્યારે શાકભાજી (કોબીજ)નો ૧૧૨૦ કિલો જેની અંદાજે રૂપિયા ૨૨,૦૦૦ આમ કુલ ૪૨,૮૩,૪૬૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલક સહિત આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ ઓપરેશનમાં પી.આઈ. વિ.એસ.ગાવિત સાથે એ.એસ.આઈ. દિનેશભાઈ, શશીકાંતભાઈ, રમણભાઈ, ઘનસુખભાઈ અને હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ તથા વિજયભાઈ સહિતની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે.



